Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

રાષ્‍ટ્રપતિ રામનાથ કોવીંદના ર દિવસના સૌરાષ્‍ટ્રના પ્રવાસ માટે સજજડ બંદોબસ્‍ત

રાજકોટ, તા.૨૦: ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્‍તુત કરવામાં આવે છે. તમામ ટ્રાયલ એન્‍ડ એરર ગુજરાત ઉપર જ અજમાવવામાં આવે છે ત્‍યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે. ૨૫ માર્ચના INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે ત્‍યારે ૨૪ માર્ચના રોજ દ્વારકાધીશના દર્શનનો પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્‍યો છે.
રાષ્ટ્રપતિ ૨૪ માર્ચના રોજ દ્વારકાની મુલાકાતે છે. દ્વારકાધીશના દર્શન કરવા પણ જઈ રહ્યા છે ત્‍યારે દ્વારકા મુલાકાતને લઈ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારકાધીશ મંદિરે પહોચ્‍યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. મંદીરમાં રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે પોલીસ વડાએ સમીક્ષા પણ કરી હતી. દેવસ્‍થાન સમિતિની બેઠકમાં કલેક્‍ટર મુકેશ પંડ્‍યા અને ઉચ્‍ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભાવનગર બાદ હવે જામનગરના મહેમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બનશે. આગામી ૨૫ માર્ચના રોજ INS વાલસુરા નેવી મથકની મુલાકાત રાષ્ટ્રપતિ લેશે. ત્‍યારે નેવી અને મહાનગરપાલિકા તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. આ પહેલા ગત ૨૯ ઓક્‍ટોબર ૨૦૨૧ના  શુક્રવારે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન મોરારી બાપુની મુલાકાત લીધી હતી ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાતના ત્રણ દિવસના કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબાની પણ મુલાકાત કરી હતી.

 

(11:19 am IST)