Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

કચ્છના શિકારપુર ગામે ૧૦૦ ફૂટ ઊંચા વીજ ટાવર પર ચડી ખેડૂતે આપઘાતની ચીમકી આપતા તંત્ર દોડયું

જમીનમાં બળજબરીથી પેશકદમી કરતી વીજ કંપની સામે આક્રોશ : વીજ ટ્રાન્સમિશન સહિતના કંપનીઓના મોટાભાગના કોન્ટ્રાકટ રાજકારણીઓ પાસે વારંવાર ફરિયાદ કરવા છતાં સામાન્ય નાગરિકોને તંત્ર પણ દાદ આપતું નથી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : કચ્છમાં ઔદ્યોગિક વિકાસ સાથે ખાનગી કંપનીઓની દાદાગીરી સતત ચર્ચાતી રહી છે. તેમાંયે ખાસ કરીને પવનચક્કી તેમજ વીજ ટ્રાન્સમિશન માટે ખાનગી કંપનીઓની જમીનમાં બળજબરીથી પેશ કદમી કરવાના કિસ્સાઓ વધ્યા છે. જોકે, કચ્છના ભચાઉ તા.ના શિકારપુર ગામે વીજ ટ્રાન્સમિશન કંપનીની દાદાગીરી અને ઉપેક્ષાથી કંટાળીને રમેશ પટેલ નામનો ખેડૂત યુવાન ૧૦૦ ફૂટ ઊંચા વીજ ટાવર પર ચડી ગયો હતો અને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે આ ખેડૂતે જાતે જ પોતાનો વીડિયો વાયરલ કર્યો હતો. જેને પગલે લોકોમાં ચકચાર મચી ગઈ હતી વાયરલ વીડિયોને પગલે તંત્ર પણ દોડતું થયું હતું. દોઢ વર્ષ પહેલાં કચ્છના લાકડીયા ગામથી વડોદરા સુધી વીજ ટ્રાન્સમિશન કંપની દ્વારા ટાવર ઊભો કરી દેવાયો હતો. ત્યારે જમીન વળતર અંગેની વીજ કંપનીએ ખાત્રી આપી હતી. પણ એકેય ફદિયું ચૂકવ્યા વિના આ વીજ ટ્રાન્સમિશન ટાવર માં કંપનીએ વીજ લાઈન નાખવાનું ચાલુ કર્યું હતું. એટલે ખેડૂત રમેશ પટેલે જૂના વળતરની વાત કરી પછી જ કામ કરવાનું કહ્યું હતું. એટલે કંપનીએ હા પાડી પણ વળતર આપ્યું નહીં અને કામ ચાલુ કરી નાખ્યું.

કંપનીની દાદાગીરીથી કંટાળેલા આ ખેડૂતે અંતે હારી થાકી ૧૦૦ ફૂટ ઊંચા વીજ ટાવર પર ચડી વીજ કંપની સામે બળાપો કાઢી આપઘાત કરવાની ચીમકી આપી આ વીડિયો વાયરલ કર્યો. તેને પગલે પોલીસ અને તંત્ર દોડતાં થયા ખેડૂતના મિત્રો અને અન્ય ગ્રામજનો દ્વારા સમજાવટ કરી અને તેને નીચે ઊતર્યો. હવે આજે તંત્રએ વીજ કંપનીને વળતર માટે બેઠક કરવાનું કહેતાં મધ્યસ્થી સાથે બેઠક યોજાશે. કચ્છમાં ઔદ્યોગિક કંપનીઓ પાઈપ લાઈન માટે વીજ ટાવર માટે સ્થાનિક રાજકારણીઓ ને કોન્ટ્રાકટ આપી ખાનગી જમીનમાં પેશ કદમી કરે છે. ઘણાં કિસ્સામાં સામાન્ય ખેડૂત કે અન્ય અરજદારો જો તંત્રને ફરિયાદ કરે તો પણ તંત્ર દાદ આપતું નથી. અહીં વાત વિકાસના વિરોધની નથી પણ દાદાગીરી સાથે વિરોધને દબાવવાની રીતિ નીતિ સામેની છે.

(10:47 am IST)