Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

પાલીતાણામાં પતિના હાથે પત્નિની હત્યા : આંબલામાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના ૨ બનાવથી સનસનાટી : પોલીસ તપાસનો ધમધમાટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના ૨ બનાવથી સનસનાટી મચી ગઇ છે. પાલીતાણામાં પતિના હાથે પત્નીની હત્યા થઇ છે. જ્યારે આંબલા ગામે મારામારીમાં યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો છે.

ભાવનગર ના પાલિતાણા માં પતિએ પત્નીની હત્યા કર્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

ભાવનગર જિલ્લાના સિહોરના દેવગાણા ગામે હજુ બે દિવસ પહેલાં જ પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી.આ બનાવ તાજો છે ત્યાં આજે વધુ એક ઘટનામાં પાલીતાણામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળાવ વિસ્તારમાં રહેતા નરગીસ ઈમ્તિયાઝભાઈ ડેરીયા નામની પરિણીતાને તેના પતિ સાથે ઘરેલું ઝઘડા થતા આવેશમાં આવી પતિ ઈમ્તિયાઝે પત્ની નરગીસનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાલિતાણા ટાઉન પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પાલીતાણા પોલીસ દ્વારા હત્યારા પતિને નજર કેદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ બનાવ ને લઇને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવે ચકચાર મચાવી હતી. પાલીતાણા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ભાવનગર જિલ્લાના આંબલા ગામે મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.

બનાવની વિગતો એવી છે કે ભાવનગરના શિહોર તાબેના આંબલા ગામે રહેતા અશ્વિનભાઈ દિલીપભાઈ વાઘેલા નામના કોળી યુવાનને ગત તા .૨૨ .૨ ના રોજ તેના ઘર પાસે મારામારીમાં ઇજા થઇ હતી .અને તેને સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. અને આ બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ અંગે સોનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ સાથે ઝડપાયો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામે રહેતા દિલીપસિંહ દોલતસિંહ જાડેજાને પોલીસે વિદેશી દારૂની ૧૯ બોટલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:32 am IST)