Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં સામ સામે બાઇક અથડાતા ત્રણના મોત

નવું બાઇક લઇને પરત ફરતા બે પિતરાઇ ભાઇઓ સહિત ત્રણનો ભોગ લેવાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૧: ઝીંઝુવાડા રણમાં દર્શન કરીને ગાડીમાં પરત ફરી રહેલા હળવદના પોલિસ જવાનનું રણમાં ગાડી પલ્ટી ખાઇ જવાથી કમકમાટીભર્યું મોત નિપજવાની દ્યટનાની શાહી હજી સુકાઇ નથી. ત્યાં પાટડી તાલુકાના માનાવાડા ગામના બે પિતરાઇ ભાઇઓ પોતાનું નવુ બાઇક લઇને ચોટીલા દર્શન કરીને પરત ફરતી વખતે ઝીંઝુવાડા રણમાં આવેલા વાછડાદાદાના મંદિરે દર્શન કરવા જતા હતા. ત્યારે સામે રણથી કૂડા ગામ તરફ આવતા પાટડી તાલુકાના ઓડુ ગામના મોટરસાયકલ લઇને આવતા શખ્સનું રણમાં સામસામે બંને બાઇક ધડાકાભેર અથડાતા ત્રણેય યુવાનોના રણમાં જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

વેરાન રણમાં ઉનાળો શરૂ થતાંની સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગતા વાહનચાલકોને રણમાં રસ્તો ન દેખાતા ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં પાટડી તાલુકાના માનાવાડા ગામના યુવાન મહેશ ફતાજી આંબલીયા (ઉંમર વર્ષ- ૨૮) તથા ભીખાજી સુરાજી આંબલીયા (ઉંમર વર્ષ- ૩૦) બંને પિતરાઇ ભાઇઓ નવું બાઇક લીધુ હોઇ જેથી બંને ભાઇઓ પોતાનું નવુ બાઇક લઇને ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ચોટીલાથી પરત ફરતી વખતે ઝીંઝુવાડા રણમાં આવેલા ઐતિહાસિક વાછડાદાદાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે મૂળ પાટડી તાલુકાના ઓડુ ગામના વિષ્ણુભાઇ નવઘણભાઇ મકવાણા (ઉંમર વર્ષ- ૩૪) બાઇક લઇને રણમાંથી કૂડા તરફ પુરઝડપે આવી રહ્યાં હતા. ત્યારે વેરાન રણમાં બંને મોટરસાયકલ ધડાકાભેર અથડાતા બંને પિતરાઇ ભાઇઓના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતા. જયારે આ અકસ્માતના ઘટનાની જાણ રણમાં મીઠું પકવતા સ્થાનિક અગરિયાઓને થતાં તેઓ દ્વારા તાત્કાલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિષ્ણુભાઇ મકવાણાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા રસ્તામાં એમનું પણ સારવાર મળે એ પહેલા જ મોત નિપજયું હતુ. જયારે આ ત્રણેય મૃતકોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લાવી પોલિસ દ્વારા રણમાં ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રણમા સામ-સામે મોટરસાયકલના અકસ્માતના બનાવમા મૃતક વિષ્ણુભાઈ નવઘણભાઈ મકવાણા (ગામ ઓડુ તા. દસાડા), ભીખાજી રાજાજી અંબારીયા અને મહેશજી ફતાજી અંબારીયા (ગામ માનાવડા તાલુકો દશાડા) પાટડી આમ ત્રણેય મૃતકો પાટડી તાલુકાના હોવાથી સમગ્ર પથંકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો

રણ વિસ્તારમાં પવનને લઈને ધુળની ડમરી ઉનાળામાં ઉડતી હોવાથી આસપાસમા કે સામેથી આવતા વાહનો દેખાતા નથી. તેને લઈને વારંવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે આ બન્ને મોટરસાયકલ ચાલકોને ધુળની ડમરીઓને લઈને દેખાયુ નહી હોવાથી સામ સામે ભટકાઇ જતા કરુણ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

(10:45 am IST)