Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ચોથે દિ' ઝાકળવર્ષા : સામાન્ય ઠંડક બાદ અસહય ઉકળાટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ : બપોરે આકરો ઉનાળો

રાજકોટ,તા. ૨૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત ચોથા દિવસે ઝાકળવર્ષા વરસી હતી અને ઠંડકનો સામાન્ય અહેસાસ થયો હતો. બપોરે ધોમધખતો તાપ સાથે ઉનાળાનો આકરો અનુભવ થાય છે. મહતમ તાપમાન પણ ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે. છેલ્લા ચારેક દિવસથી મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.

હજુ ઉનાળાનો માહોલ માત્ર બપોરના સમયે જ જામે છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અનુભવ થાય છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાલે ૪૦ ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યુ હતું. સૌથી વધુ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ૩૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. એક તબક્કે ૪૧ ડિગ્રી ઉપર ગરમીનો પારો રહ્યો હતો. બપોરના સમયે રસ્તા સુમસામ બની ગયા હતા. બે દિવસથી પારો ગગડતા લોકોએ ગરમીમાં આંશિક રાહત મેળવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ બે દિવસ ગરમીમાં ૨ થી ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. રવિવારે બપોરના સમયે લોકોએ આકરા તાપનો અનુભવ કર્યો હતોે અસહ્ય ગરમીમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યુ હતુ. સાંજના સમયે રસ્તાઓ ઉપર ટ્રાફીક જોવા મળ્યો હતો. કાલે રાજકોટ ૩૯.૫, ભાવનગર ૩૬.૫, દ્વારકા ૨૯.૩, પોરબંદર ૩૩.૪, વેરાવળ ૨૯.૨, દીવ ૩૨.૯, મહુવા ૩૪.૪, કેશોદ ૩૭.૬, ઓખા ૩૦.૫, જામનનગર ૩૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

(10:43 am IST)