Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મુન્દ્રામાં અદાણી પોર્ટ અને ઇન્ડીઅન ઓઇલ કોર્પો.ને હાથ મિલાવ્યા: ઇન્ડીઅન ઓઇલ નવા નવ ક્રુડ ઓઇલ ટાંકા બાંધશે

ઇન્ડીઅન ઓઇલના હરયાણાની પાણીપત રિફાઇનરીના વિસ્તરણને નવું જોમ મળશે : ભારતની ઝડપથી વધી રહેલી ઈંધણની જરુરિયાતને પહોંચી વળવા માટે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.તેની પાણીપત રિફાઇનરીની ક્ષમતામાં ૬૬ ટકા વધારીને વાર્ષિક ૨૫ મિલીઅન મેટ્રિક ટન કરશે

(વિનોદ ગાલા દ્વારા ભુજ તા.૨૦ : મુંદ્રા ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશને ક્રૂડ ઓઈલના તેના જથ્થામાં વધારો કરવા માટે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઇઝેડ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એપીએસઇઝેડ હસ્તકના મુન્દ્રા પોર્ટ ખાતે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન હાલના તેના ક્રૂડ ઓઈલ ટેન્ક ફાર્મનું વિસ્તરણ કરશે, આમ  મુંદ્રા ઇન્ડીઅન ઓઇલ વધારાના વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ હેન્ડલ કરવા અને પ્રોસેસ કરવા સક્ષમ બનશે. તેના પરિણામે ઇન્ડીઅન ઓઇલના હરયાણાની પાણીપત રિફાઇનરીના વિસ્તરણને નવું જોમ મળશે. ભારતની ઝડપથી વધી રહેલી ઈંધણની જરુરિયાતને પહોંચી વળવા માટે ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.તેની પાણીપત રિફાઇનરીની ક્ષમતામાં ૬૬ ટકા વધારીને વાર્ષિક ૨૫ મિલીઅન મેટ્રિક ટન કરશે.  

    "મુન્દ્રા પોર્ટ એ આર્થિક ગતિવિધીઓનું એક મુખ્ય પ્રવેશદ્વાર છે જે મલ્ટિમોડલ કનેક્ટિવિટી પુરી પાડીને ભારતના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપે છે. "અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઇન્ડીઅન ઓઇલ કોર્પોોરેશન લિ.ને સમર્થન આપવાનો અમારા માટે ગૌરવ અને આનંદનો પ્રસંગ છે, એમ એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું. જે રાષ્ટ્રની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા ઇન્ડીઅન ઓઇલના લાંબા ગાળાના ભરોસાપાત્ર ભાગીદાર તરીકે અદાણી પોર્ટ અને એસઇઝેડ મુન્દ્રા ખાતેના અમારા હાલના સિંગલ બ્યુઓય મૂરિંગ (એસબીએમ) પર વધારાનું વાર્ષિક ૧૦ મિલીઅન મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ હેન્ડલ કરવા માટે સારી રીતે સજ્જ છે. એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.  

ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનોના બજારમાં લગભગ અડધો હિસ્સો ધરાવતા ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ. તેની રિફાઇનિંગ ક્ષમતા વાર્ષિક ૮૦.૫૫ મિલીઅન મેટ્રિક ટન અને ૧૫,૦૦૦ કીમી પાઇપલાઇનનું  નેટવર્ક ધરાવે છે. ઇન્ડીઅન ઓઇલની પાણીપત રિફાઈનરી માટે  વાર્ષિક ૧૫ મિલીઅન મેટ્રિક ટનની વર્તમાન ક્રૂડ ઓઈલની જરૂરિયાતનો એક ભાગ મુંદ્રા પોર્ટ ખાતેના એસબીએમમાં હેન્ડલ કરવામાં આવે છે. મુંદ્રા બંદરના કિનારેથી ૩-૪ કિ.મી.સ્થિર આ એસબીએમમાં વેરી લાર્જ ક્રુડ કેરીઅર્સ(વીએલસીસી) ઠાલવવામાં આવે છે.સમુદ્રની અંદર બિછાવેલી પાઇપ લાઇન મારફત એસબીએમમાંથી આ ક્રુડ ઓઇલનું ટેન્ક ફાર્મમાં પરિવહન કરવામાં આવે છે અને બાદમાં આ ટાંકામાંથી મુંદ્રા પાણીપત પાઇપ લાઇન મારફત પાણીપત ખાતેની રીફાઇનરીમાં પહોંચે છે.  

હાલમાં ઇન્ડીઅન ઓઇલ અદાણીના મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક અલાયદા વિસ્તારમાં ક્રૂડ ઓઇલ ટેન્ક ફાર્મનું સંચાલન કરે છે, જેમાં કુલ ૭૨૦,૦૦૦ કીલો લીટરની ક્ષમતા સાથે ૧૨ ટેન્કનો સમાવેશ થાય છે. ૯ નવી ટાંકીઓના ઉમેરાથી આ સંગ્રહ ક્ષમતા ૧,૨૬૦,૦૦૦ કીલો લીટર સુધી વધશે, આમ મુંદ્રા પોર્ટ ઇન્ડીઅન ઓઇલ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પોર્ટ આધારિત ક્રૂડ ઓઇલ સ્ટોરેજની સગવડ ધરાવતું પોર્ટ બનશે. આ સાથે ઇન્ડીઅન ઓઇલ દ્વારા મુંદ્રા પાણીપત પાઇપલાઇનની ક્ષમતા વાર્ષિક ૧૭.૫ મિલીઅન મેટ્રિક ટન સુધી વધારવામાં આવશે.ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશનના બોર્ડે ડિસેમ્બર ૨૦૨૧ માં ક્રૂડ ઓઇલ ટેન્ક અને મુંદ્રા પાણીપત પાઇપ લાઇનની વૃદ્ધિ માટે રુ. ૯૦૦૦ કરોડના મૂડી ખર્ચને મંજૂરી આપી હતી.

મુન્દ્રા પોર્ટ પરનો આ વિસ્તરણ પ્રોજેક્ટ APSEZ માં કેન્દ્ર હસ્તકના ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.ના વિશ્વાસને રેખાંકિત કરે છે, જે તેના બંદરોને આધુનિક બનાવવા, ટર્નએરાઉન્ડ ટાઈમમાં સુધારો કરવા અને આમ તેના ગ્રાહકો માટે મૂલ્યવર્ધક બનાવવાના વ્યૂહાત્મક અભિગમ દ્વારા આ વિશ્વાસ હાંસલ થયો છે.

 

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે.૬ વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5  સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.

(1:34 pm IST)