Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

"પર ડ્રોપ મોર ક્રોપ" થકી સિંચાઇ મારફતે સમૃધ્ધિ મેળવીએ: પશુપાલક અને ખેડૂત શિબિરો મહત્વપૂર્ણ: ડો. નીમાબેન આચાર્ય

વિધાનસભા અધ્યક્ષાના હસ્તે કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાન, પશુપાલન શિબિરનો પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨૦ : વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે આજરોજ કચ્છના કુનરીયા નાના મોટા ગામે જિલ્લા કક્ષાનો સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨, ૬૬ કે.વી. કુનરીયા સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને ભુજ તાલુકા કક્ષા પશુપાલન શિબિરના ત્રિવિધ કાર્યક્રમનો અધ્યક્ષસ્થાનેથી પ્રારંભ કરાવ્યો હતો.

આ ત્રિવિધ કાર્યક્રમમાં અધ્યક્ષીય પ્રવચનમાં અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સરકારને વિકાસ કામમાં અવકાશ આપી સહયોગ કરીએ. જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાના વિકાસકામોની રજુઆત બાદ કામગીરીની પ્રક્રિયા માટે જનસહયોગ મહત્વનો હોય છે. નર્મદાના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણી માટે રૂ.૪૩૬૯ કરોડની કામગીરીને વહીવટી મંજુરી મળી છે. નજીકના ભવિષ્યમાં કામો સાકાર થશે. ત્યારે સૌ સરકારને વિકાસ કામનો અવકાશ આપીએ. આવનારા સમયમાં રૂદ્રમાતા ડેમ નોર્ધન કેનાલથી ભરાશે. તેમજ રૂદ્રમાતા ડીસીલ્ટીંગ માટે અંદાજે ૮૧૬૦૦૦ કયુબીક મીટરનું ખોદાણ લીધેલ છે. જેના પગલે અંદાજે ડેમમાં ૨૮.૮૨ MCFT નો સંગ્રહશકિતનો વધારો થવા પામશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ પ્રથમવાર કચ્છમાં ખેડૂત શિબિરમાં આવી “પર ડ્રોપ મોર ક્રોપ” ની વાત કરી સિંચાઇથી સમૃધ્ધિની વાત કરી હતી. પ્રાકૃતિક ખેતી અને જીવામૃત દ્વારા ખેડૂતોને ૨૦૨૨ સુધીમાં સમૃધ્ધ કરવા પશુપાલક અને ખેડૂત શિબિરો મહત્વપૂર્ણ અને ઉપયોગી છે. સરકારે નવી ટેકનોલોજીથી ઉત્તમ ખેતી માટે જે સુવિધા પુરી પાડી છે તેનો લાભ લઇ ઉન્નત બનો. પશુધન માટે સરકારે મોબાઇલ દવાખાના સારવાર સુવિધા વધારી છે તેમજ કચ્છમાં વેટનરી કોલેજ માટે બજેટમાં રૂ.૫ કરોડ મંજુર થયા છે તેમજ રૂ.૨૦ કરોડના ખર્ચે અત્યાધુનિક બિલ્ડીંગ કાર્યરત થશે જેનો લાભ પશુપાલકો અને પશુઓને થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સુજલામ સુફલામ જળઅભિયાનથી જિલ્લામાં ૪૧.૭૩ લાખ ઘન મીટર માટીના ખોદકામના આયોજનથી ૧૪૧૪.૭૩ કરોડ લિટર જેટલાં પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. ૬૬ કે.વી.કુનરીયા સબ સ્ટેશનથી કુનરીયા, ઢોરી, સુમરાસર (શેખ), સરસપર, ધ્રંગ, કોટાય, ફુલાય, નોખાણીયા, રૂદ્રમાતા જેવા ગામોના ૩૧૮૧ લાભાર્થીઓને ૨ જયોતિગ્રામ ફીટર અને ૩ ખેતીવાડી ફીટરનો લાભ મળશે.

આવા અનેકવિધ વિકાસકામોમાં લોકભાગીદારી પણ મહત્વપૂર્ણ છે જે જનસહયોગથી સાકાર થઇ શકે છે.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, રૂદ્રાણી જાગીરને પ્રવાસન તરીકે મંજુર કરાયું છે. રૂ.૪.૨૧ કરોડ અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે વિકાસ માટે ફાળવ્યા છે. પાંચમા તબક્કાના સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં ૧૩૮૦ કામોથી ૧૮૮૧૬૬ માનવદિન રોજગારી મળશે તેમજ ૧૪૧.૪૭ લાખ ઘનમીટર માટીના ખોદાણ કામથી નીકળેલ માટી-કાંપ વિનામૂલ્યે ખેડૂતો, પશુપાલકો મેળવી શકશે. વિકાસ કામોમાં જનસહયોગ મહત્વ પૂર્ણ છે. કુનરીયા ખાતે ૮૬ જલમંદિરો રૂ.૪૨.૮૬ લાખના ખર્ચે સામાજિક સંસ્થાઓએ કર્યા છે.

૬૬ કે.વી.સબસ્ટેશન કુનરીયા જિલ્લાનું ૧૪૬ મું અને ભુજનું ૧૧ મું સબસ્ટેશન છે તેનાથી ૩ હજાર ઉપરાંત ગ્રાહકો લાભાન્વિત થશે.

સ્વાગત પ્રવચનમાં જિલ્લા પશુપાલન નિયામકશ્રી ડો.એચ.એમ.ઠકકરે જણાવ્યું હતું કે, તાલુકા કક્ષાની છઠ્ઠી પશુપાલન શિક્ષણ શિબિરમાં ૫૦૦ પશુપાલકોએ લાભ લીધો છે તેમજ જિલ્લાના મિલ્ક પોકેટ સમા ઢોરી અને સુમરાસર વિસ્તાર ઉત્સાહભેર જોડાયો છે. ભુજ તાલુકાનું કુનરીયા ૧૧ મું ૬૬ કે.વી. સબ સ્ટેશન છે. સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ થનાર કામોથી પશુપક્ષીને પીવાના પાણી તેમજ પાણીના તળ ઉંચા લાવવા અને સિંચાઇ માટે ખેડૂતોને પણ લાભ થશે.

સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી વી.કે.ગઢવીએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી પૂર્વ સરપંચશ્રી સુરેશભાઇ છાંગાએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં કુનરીયા બાલિકા પંચાયતના સભ્ય આનંદીબેન છાંગાનું, કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણમંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીના દેશમાં પણ કચ્છ કુનરીયાની પહેલ બાલિકા પંચાયતને સાકાર કરવાના લક્ષ્યને, પ્રેરિત કરવાના વિચાર બદલ મંચસ્થ મહિલાઓ દ્વારા સન્માન કરાયું હતું.

વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કચ્છના ગૌરવ ડો.નીમાબેન આચાર્યનું આ તકે કુનરીયા ગ્રામ પંચાયત, બાલિકા પંચાયત, કુનરીયા પશુપાલક મંડળ, સ્પોર્ટસ કલબ કુનરીયા, સુમરાસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી, નોખાણીયા યુવામંડળ, ઢોરી ગ્રામ પંચાયત પ્રતિનિધિઓએ ઉત્સાહભેર શાલ અને વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું. 

આ કાર્યક્રમમાં રૂદ્રમાતા જાગીરના મહંતશ્રી લાલગીરીબાપુ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, કુનરીયા સરપંચશ્રી રશ્મીબેન સુરેશભાઇ છાંગા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઇ ચાડ, લક્ષ્મણભાઇ, તાલુકા પંચાયત ઝુરા સદસ્યશ્રી જત મામદ અલી, ઢોરીના સદસ્યશ્રી મેરીયા લક્ષ્મણભાઇ, એપીએમસી ઝુરા નિયામકશ્રી જયેશભાઇ ભાનુશાળી, હરિભાઇ ગાગલ, વિરમભાઇ, સરપંચશ્રી ભારતીબેન ગરવા, સરપંચ સર્વશ્રી ઝુરા, લોરીયા, સુમરાસર, કોટડા ચકાર તેમજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારીશ્રી ડો.મેહુલ બરાસરા, પીજીવીસીએલ અધિક્ષક ઈજનેરશ્રી એ.એસ.ગરવા, ગેટકો અંજાર SE શ્રી વી.કે.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઇ રાઠોડ, નાકાઇ સિંચાઇશ્રી આર.કે. લિખાર, પશુ ચિકિત્સકસર્વશ્રી ડો.મેહુલ ચૌધરી, ડો.અજીત પટેલ, ડો.ભાવેશ પ્રજાપતિ તેમજ ગેટકોના કર્મયોગીઓ, પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(9:49 am IST)