Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

કોડીનારમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ: સ્મશાનગૃહમાં ચકલીના સંરક્ષણ માટે માળા મુકાયા

સ્મશાનનાં બગીચામાં અનેક વૃક્ષો આવેલા છે. જેને આશ્રિત અનેક ચકલીઓનો વસવાટ

કોડીનાર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. કોડીનાર સ્મશાનના બગીચામાં માળા,પાણીનાં કુંડા અને અનાજ રાખવાની સો જેટલી ટ્રે ઝાડ પર લગાડવામાં આવી. સાથે નગરજનોને અપીલ પણ કરવામાં આવી કે, કોઈ કારણોસર સ્મશાને આવવાનું થાય ત્યારે ચકલીઓ માટે અનાજના ઝીણા દાણા લઈને આવે.

આજે વિશ્વ ચકલી દિવસને લઈને ગીર સોમનાથનાં કોડીનાર ખાતે પ્રકૃતિ નેચર ક્લબ, મીડિયા કર્મીઓ અને વિવિધ સમાજના યુવાનોએ એકઠા થઈ સો જેટલા ચકલીના માળા,અનાજ માટેની ટ્રે તથા પાણીનાં કુંડા કોડીનાર સ્મશાન ઘાટ પાસે આવેલા બગીચાના વૃક્ષો પર લગાવ્યા. ચકલીએ સામાજિક પક્ષી છે. માનવ વસાહત સાથે રહેનાર પક્ષી હોવાને કારણે કુદરતી સફાઈ કામદારનું કાર્ય કરે છે.

 

હાલના સમયમાં વિશ્વમાં સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યા છે. ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જેને કારણે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ચકલીએ કુદરતનો સફાઈ કામદાર હોય તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા અનિવાર્ય હોય 20 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ ઉજવવામાં આવે છે. કોડીનાર ખાતે પણ પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા આજે વિશ્વ ચકલી દિવસ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો હતો.

કોડીનારનાં વિવિધ સમાજના પર્યાવરણ પ્રેમી યુવાનો સાથે મીડિયા કર્મીઓ પણ જોડાયા હતા. કોડીનાર ખાતેના સ્મશાનનાં બગીચામાં અનેક વૃક્ષો આવેલા છે. જેને આશ્રિત અનેક ચકલીઓનો વસવાટ છે. ત્યારે અહીં ચકલીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક,પાણી અને યોગ્ય વાતાવરણ મળી રહે તેવા શુભ હેતુથી અહીંના ઝાડ પર અનેક માળાઓ, પાણીના કુંડાઓ ગોઠવવામાં આવ્યા હતા. સાથે નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે, કોઈ કારણસર સ્મશાને આવવાનું થાય ત્યારે કાચા અનાજના ઝીણા દાણા અહીં લઈને આવે અને ઝાડ પર ગોઠવેલા સિક્કાઓમાં રાખે જેથી ચકલીઓની વૃદ્ધિ થઈ શકે.

(8:49 pm IST)