Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

મોરબીમાં પટેલ વૃદ્ધનું અપહરણ કરી ૨૨ લાખ પડાવી લીધાની ટોળકી વિરુદ્ધ ફરિયાદ: મહિલાઓ સહીત છ આરોપીઓ સામે ગુનો નોંધાયો.

મોરબી :શહેરમાં પટેલ વૃદ્ધ પાસે ફ્લેટ વેચાણ માટે ટોકન પૈસા આપવાના બહાને આવેલી મહિલાઓના સાગરીતોએ ફોટો પાડી ધમકીઓ આપી કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને ૨૨ લાખની રકમ પડાવી લઈને તેમજ અવારનવાર સમાધાન માટે રાજકોટ બોલાવવા ફોન કરી ધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના રવાપર રોડ પર રહેતા રામજીભાઈ હરિભાઈ પરેચાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગીતાબેન નાગલા અને ઉષાબેન પટેલ એમ બે મહિલા રામધન આશ્રમ સામે રામેશ્વર હાઈટ્સ મહેન્દ્રનગરમાં ફરિયાદી રામજીભાઈ પરેચાને ફ્લેટ વેચાણ રાખવા માટે ટોકનના પૈસા આપવા આવ્યા હતા અને ટોકન પેટે રૂ ૫૦૦૦ આપી વાતચીત કરતા હોય ત્યારે આરોપીઓ પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણભાઈ બારોટ અને અનીલ ઉર્ફે દેવો વિનુભાઈ રાવળ આવીને અહી શું કરો છો કહીને રામજીભાઈ પરેચાનો કાઠલો પકડી લઈને મોબાઈલમાં સ્ત્રી નજીક ફોટા પાડી બાદમાં ખોપરી ફાડી નાખવાની ગર્ભિત ધમકી આપી ડરાવીને ગાડીની ચાવી, મોબાઈલ ફોન લઈને ગાડીમાં બેસાડી અપહરણ કરી વાંકાનેર બાજુ અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા
અને રસ્તામાં ફોટો વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાનો ભય બતાવી રૂ એક કરોડની માંગણી કરી હતી અને જો પૈસા નહિ આપે તો ગાડીમાં જીવતા સળગાવી દઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી દિલીપ મિસ્ત્રીને ફોન કરી બોલાવતા આરોપી દિલીપ મિસ્ત્રી અને અંકિત નાગલા બંને મારૂતિ ઇકો કાર લઈને આવ્યા હતા અને પતાવટના રૂ ૨૨ લાખની વાતચીત કરી બળજબરીથી રૂ ૨૨ લાખ કઢાવી લીધા હતા અને આરોપીઓએ ફોનથી અવારનવાર સમાધાન માટે રામજીભાઈ પરેચાને સમાધાન માટે રાજકોટ બોલાવવા ફોન કરીને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે
 બી ડીવીઝન પોલીસે આરોપી દિલીપભાઈ કાન્તિલાલ મિસ્ત્રી (રહે રામેશ્વર હાઈટ્સ, મહેન્દ્રનગર મોરબી) અંકિત ઉર્ફે ગટુ દિનેશ નાગલા (રહે ગોંડલ) પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણભાઈ બારોટ (રહે મોરબી વાવડી રોડ), અનીલ ઉર્ફે દેવો વિનુભાઈ રાવળ( રહે ચોટીલા) ગીતાબેન ઉર્ફે રિન્કુબેન અંકિત નાગલા (રહે ગોંડલ )અને ઉષાબેન પટેલ એમ છ આરોપી તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

(12:13 am IST)