Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

કચ્છનો કિસ્સો :વળતર ન મળતા આપઘાતની ચીમકી સાથે ખેડૂત વિજટાવર પર ચડી ગયો

ભચાઉના શિકારપુર ગામના ખેડુત રમેશભાઇએ સોસીયલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યા હતા. જેમાં તેને કંપની તરફથી યોગ્ય વળતર વિજલાઇન ખેતરમાંથી પસાર કરવા મુદ્દે ન ચુકવતા તેઓ આપઘાત કરી રહ્યા છે

લાંબા સમયથી વિજ ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓ દ્વારા વિજટાવર અને વિજલાઇન નાંખવા મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર ન આપતું હોવાની ફરીયાદો અલગ-અલગ જગ્યાએથી ઉઠી રહી છે. અને તેને લઇને અનેક વિવાદો પણ સર્જાયા છે. જોકે આજે ભચાઉના શિકારપુર ગામના એક ખેડુતે યોગ્ય વળતર ન મળવા મુદ્દે અલગ જ વિરોધ કરતા સમગ્ર વહીવટી તંત્ર દોડતુ થયું હતું. શિકારપુર ગામના રમેશ પટેલ નામના ખેડુતના ખેતરમાંથી વિજલાઇન પસાર થઇ રહી છે જે મુદ્દે ખેડુતે કંપની પાસેથી વળતર બાદ કામ શરૂ કરવા માંગ કરી હતી. જોકે યોગ્ય વળતર વગર ખાનગી કંપનીએ કામ શરૂ કરી દેતા આજે ખેડુત વિરોધ કરવા માટે 200 ફુટ લાંબા વિજટાવર પર ચડી ગયો હતો. જોકે કલાકોની મહેનત બાદ પોલિસ અને સ્થાનીક લોકોએ સમજાવતા યુવાન ખેડુત થાંભલા પરથી નીચે ઉતાર્યો હતો.

 ભચાઉ તાલુકાના શિકારપુર ગામના ખેડુત રમેશભાઇએ આજે સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યા હતા. જેમાં તેને કંપની તરફથી યોગ્ય વળતર વિજલાઇન ખેતરમાંથી પસાર કરવા મુદ્દે ન ચુકવતા તેઓ આપઘાત કરી રહ્યા છે. કંપની સાથે થયેલી વાતચીતનો વિડીયો યુવાને 60 ફુટ ઉંચે ટાવર પર ચડી ઉતાર્યો હતો. અને પોતાની વ્યથા ઠાલવી હતી. જે બાબત પોલીસ તથા તંત્રના ધ્યાને આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. અને યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતનો આક્ષેપ છે કે કંપની સાથે થયેલી વાતચીત મુજબ વળતર ન મળવા છતાં કામ શરૂ કરી દેવાતા આજે તેને ન છુટકે આવું પગલું ભરવું પડ્યું હતું. સાથે જીલ્લાભરના અન્ય ખેડુતોને થઇ રહેલા વળતરના અન્યાયની વાત પણ તેઓએ કરી હતી. જોકે પોલીસે કલાકોની મહેનત બાદ યુવકને સમજાવી નીચે ઉતાર્યો હતો.

હાલ યુવાન ખેડુતને પોલીસ મથકે લઇ જવાયો છે. અને કંપની સાથે વાત કર્યા બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી મળતા ખેડુત 60 ફુંટ ઉંચા વિજટાવર પરથી નીચે ઉતરી ગયો છે. પરંતુ એક સમયે વિજટાવર પર ચડી ખેડુતે આપધાતની ચીમકીથી તંત્ર તથા પોલીસ વિભાગ દોડતું થયું હતું.

(4:51 pm IST)