Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

જમીનના ડખ્‍ખામાં ૨ ભાઇઓએ સગા ભાઇનું ઢીમ ઢાળી દીધુ

સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલાના મોટી મોરસલમાં અરેરાટીજનક ઘટના : બંને ભાઇઓની અટકાયત

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ : કહેવત છે ને કે જર, જમીન ને જોરૂ આ ત્રણ કજીયાના છોરૂ' ત્‍યારે આ કહેવતને યથાર્થ સાબીત કરતો બનાવ સુરેન્‍દ્રનગર જિલ્લાના મોટી મોરસલ ગામે બન્‍યો છે. સાયલા તાલુકાના મોટી મોરસલ ગામે આવેલા એક બંધ અવાવરૂ મકાનના ભૂગર્ભ પાણીનાં ટાંકામાંથી તારીખ ૧૨ ઓગષ્ટના રોજ એક લાશ મળી આવી હતી. પોલીસે અકસ્‍માતે મોત અંગેનો ગુનો નોંધી લાશને રાજકોટ ફોરેન્‍સીક લેબમાં પીએમ માટે મોકલતા બનાવ હત્‍યાનો હોવાની વિગતો બહાર આવી હતી..પોલીસે મૃતકની ઓળખ મેળવતા મોટી મોરસલ ગામના જ સવશીભાઇ ચતુરભાઇ ડાભી હોવાની વિગતો બહાર આવી હતી.

પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજાના કારણે મોત થયા હોવાનુ બહાર આવતા પોલીસે હત્‍યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતક સવશીભાઇ સહીત કુલ ૬ ભાઇઓ વચ્‍ચે બાપદાદાની જમીન બાબતે વિવાદ ચાલતો હોવાની તેમજ મ્રુતક સવશીભાઇ દારૂ પીવાની ટેવવાળા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતુ. આથી પોલીસેતે દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરી મૃતકના બે સગા ભાઇઓ ગોરધનભાઇ ચતુરભાઇ ડાભી અને વિનાભાઇ ચતુરભાઇ ડાભીની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા બન્ને ભાઇઓ એ જ હત્‍યા કરી હોવાની વિગતો બહાર આવી હતી.

વારસાગત જમીનના વિવાદમાં બન્ને ભાઈઓએ સાથે મળી લાકડીના ધોકા મારી હત્‍યા કર્યા બાદ લાશને અવાવરૂ બંધ મકાનના ટાંકામાં લાશ ફેંકી દીધી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતા પોલીસે બન્ને સગા ભાઇઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

(10:59 am IST)