Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

જામનગર શહેર-જિલ્લામાં ટ્રાફિક સહિતના પોલીસ સ્ટાફની બોડી પર 'પોલીસ બોડીવોર્મ કેમેરા' લગાવાયા

શહેર જિલ્લાના તમામ પોલીસ ડિવિઝન- એલસીબી- એસઓજી સહિતની ટીમના અધિકારી કર્મચારીઓને કેમેરા ફાળવાયા

જામનગર તા.10 : રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક સહિતની જાહેરમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ સાથે થતા સંઘર્ષ નિવારવા માટે પોલીસ ફરજના અધિકારી જવાનોને 'બોડીવોર્મ' કેમેરા થી સજ્જ બનાવી દેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જામનગર શહેર જિલ્લાના પણ તમામ પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી કર્મચારીઓ તેમજ જામનગરની ટ્રાફિક શાખા ના પણ ૨૦ થી વધુ અધિકારી કર્મચારી પણ બોડીવોર્મ કેમેરાથી સજ્જ બન્યા છે.

જામનગરની ટ્રાફિક શાખા હવે હાઈટેક બની છે અને ટ્રાફિક પોલીસના જવાનના બોડી પર એક ખાસ પ્રકારનો કેમેરો લગાવવામાં આવ્યો છે. આ કેમેરો બેટરી પર ઓપરેટ થાય છે અને તેનું રેકોર્ડિંગ ટ્રાફિક પોલીસના જવાનના મોબાઈલ ફોનમાં રેકોર્ડ થઇ જશે. ત્યારબાદ આ રેકોર્ડિંગ ટ્રાફિક વિભાગની શાખામાં જમા કરાવવામાં આવે છે. જરૂર પડ્યે આ રેકોર્ડિંગ ટ્રાફિક શાખાની ઓફિસેથી મેળવી શકાશે.

ટ્રાફિક પોલીસના બોડી પર લગાવવામાં આવેલી આ બોડીવન કેમેરા સિસ્ટમને હજું તો થોડા કલાકો જ થયા છે ત્યાં વાહન ચાલકોના વર્તન ફેરફાર જોવા મળ્યો હોવાનું એક ટ્રાફિક પોલીસના જવાને જણાવ્યું હતું. સામાન્ય રીતે સ્થળ પર દંડ ભરવાને લઈને રકઝક થતી હોઈ છે. પરંતુ ટ્રાફિક પોલીસના શરીરમાં લગાવેલો કેમેરા જોઈને વાહન ચાલકો તકરાર કરવાને બદલે શાંતિથી જવાબ આપે છે. તો સામા પક્ષે ટ્રાફિક પોલીસનું વર્તન પણ કેમેરામાં રેકોર્ડ થશે જેની ઉચ્ચ અધિકારીઓ નોંધ રાખશે.

હાલ જામનગર ટ્રાફિક શાખાને કુલ 17 બોડીવન કેમેરા સિસ્ટમ ફાળવવામાં આવી છે. જેને વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનના શરીર પર લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ સફળ થયાં બાદ આગામી દિવસોમાં જરૂર જણાશે તો વધુ કેમેરા પણ મંગાવવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસના શરીર પર આ કેમેરા સિસ્ટમ જોઈને વાહન ચાલકોમાં પણ ઘણી કુતુહલ જોવા મળી રહી છે.

(7:37 pm IST)