Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગોંડલમાં ગેંગરેપ કેસના ત્રણ આરોપીઓને પોકસો અદાલતે આજીવન કેદની સજા ફટકારી

પોલીસના ચાર્જશીટના ૨૩ દિવસ બાદ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્‍યો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૮: ગોંડલ શહેરના ઉમવાડા રોડ ઉપર ગત જુન મહિનામાં સગીરા અને તેનો મિત્ર બાઇક પાર્ક કરી સાઈડમાં ઊભા હતા ત્‍યારે ત્રણ શખ્‍સો એ ધાકધમકી આપી સગીરાને ઢસડી અવાવરૂ જગ્‍યામાં લઈ જઈ બે શખ્‍સો એ દુષ્‍કર્મ ગુજાર્યું હતું જયારે એક શખ્‍સે શારીરિક અડપલા કર્યા હતા જે અંગેનો કેસ અત્રેની પોકસો અદાલતમાં ચાલી જતા અદાલતે ત્રણેય શખ્‍સોને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગત એક જૂન ના રોજ સગીર વયના યુવક યુવતી ઉમવાડા રોડ પર ઉભા હતા ત્‍યારે મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોળીયા અને અજયનાથ દિનેશનાથ માંગરોળીયાએ ઘસી આવી સગીરાને અવાવરુ જગ્‍યામા ઢસડી જઈ ધાક ધમકી આપી બે શખ્‍સોએ બળજબરીપૂર્વક દુષ્‍કર્મમાં ગુજાર્યું હતું અને એક શખ્‍સે શારીરિક અડપલા કર્યા હતા બનાવ અંગેની જાણ સીટી પોલીસને થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ ૧૫ દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરી અદાલતમાં રજૂ કરવામાં આવ્‍યું હતું અને પોક્‍સો અદાલતે માત્ર ૨૩ દિવસમાં જ ઐતિહાસિક ચુકાદો આપી ઉપરોક્‍ત આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારી હતી, આ કેસમાં સરકારી વકીલ ઘનશ્‍યામભાઈ ડોબરીયાએ દસ્‍તાવેજી પુરાવાઓ લિસ્‍ટ રજૂ કરી ભોગ બનનાર, તબીબ અને ફરિયાદી સાથે ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ આર સંગાડા ની જુબાનીને અદાલતે ગ્રાહ્ય રાખી ન્‍યાયમૂર્તિ ડી આર ભટ્ટ સાહેબ દ્વારા ચુકાદો આપવામાં આવ્‍યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગોંડલ સીટી પોલીસના પી. આઇ. એમ આર સંગાડા, ડી' સ્‍ટાફ ના શક્‍તિસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, અમરદીપસિંહ જાડેજા ને ઘટનાની માહિતી મળતા સ્‍થળ પરᅠ દોડી ગયા હતા ઘટનાની ગંભીરતા ને સમજી તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓ ને ઝડપી લીધા હતા.બાદ મા આવી જધન્‍ય ઘટના ફરી ના બને અને આરોપીઓ ને કડક સજા મળે તે હેતુ થી આધાર પુરાવાઓ એકત્રીત કરી અદાલત મા તુરંત ચાર્જશીટ રજુ કરી હતી.

(11:09 am IST)