Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

રાજુલામાં કોર્ટ મેરેજ કરતા ધમકી આપીને ગળેફાંસો આપવાનો પ્રયાસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ રાજુલાના ભેરાઇ રોડ મચ્‍છી માર્કેટની બાજુમાં તા.૪/૬ ના સવારે ૧૧ વાગ્‍યે કલ્‍પીતભાઇ રામજીભાઇ ચાંડવા ઉ.વ.૩૦ એ મુકેશભાઇ જગજીવનભાઇ જાનીની દિકરી સાથે કોર્ટ મેરેજ કરેલ હોય ફરિયાદી અનુજાતીના હોય અને આરોપીઓ સવર્ણ જ્ઞાતીના હોય જેથી સારૂ નહિં લાગતા મુકેશ જગજીવનભાઇ, વિશાલ મુકેશભાઇ જાનીએ ફોનથી ધમકી આપી જ્ઞાતી પ્રત્‍યે હડધુત કરી ફોરવ્‍હિલના કાચ તોડી મારી નાખવાના ઇરાદે દોરી વડે ગળાફાંસો આપવા કોશીષ કરી ઇજા કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંંહ તથા ના.પો.અધિ.કે.જે.ચોૈધરીની સુચના મુજબ રાજુલાના પીઆઇ એલકે જેઠવાની સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્‍સ સ્‍કવોર્ડના હે.કોન્‍સ.ભરતભાઇ વાળા, પો.કોન્‍સ. મીતેશભાઇ વાળા, રોહીતભાઇ પરમાર, ઘનશ્‍યામભાઇ તથા રાજુલા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓ તથા ફોરવ્‍હિલની માહીતી મેળવી મુકેશ જગજીવનભાઇ જાની, વિશાલ મુકેશભાઇ જાનીને ગણતરીની મીનીટોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોત

જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે રહેતા અશ્‍વિનભાઇ કનુભાઇ શીયાળ ઉ.વ.૨૦ કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજયાનું કાકા દિલીપભાઇ શિયાળે નાગેશ્રી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

વિજ શોક

રાજુલામાં બીડી કામદાર વિસ્‍તારમાં મકાનના પતરા ઉપર મુંઢડીનું કામ કરતા દિલીપભાઇ ભીખાભાઇ જાદવ ઉ.વ.૩૦ મકાન ઉપર પીજીવીસીએલના વાયર પસાર થતા હોય અકસ્‍માતે હાથ અડી જતા વીજશોક લાગવાથી મોત નિપજયાનું મનુભાઇ જાદવે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

દવા પીધી

બગસરા તાલુકાના માવજીંજવા ગામે દેવજીભાઇ રામાભાઇ જાદવ છેલ્લા ઘણા સમયથી બીમારીથી કંટાળી જઇ ઝેરી દવા પી જતા જુનાગઢ ડો.કુંડળીયાના દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું પુત્ર મહેન્‍દ્રભાઇ જાદવે બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

આપઘાત

લાઠીમાં રહેતી હિરલબેન હંસરાજભાઇ મકવાણા ઉ.વ.૧૮ છેલ્લા દસ માસથી પેટની બિમારીથી કંટાળી પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા હંસરાજભાઇ મકવાણાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

હુમલા

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની સીમમાં જયસુખભાઇ બાવચંદભાઇ વેકરીયા ઉ.વ.૫૨ની વાડીના શેઢે જમાલ બચુભાઇ મહીડાને ભેંસો બાંધેલ હોય જયસુખભાઇને વાડીના શેઢે ખાળ ગાળવા જેસીબી આવવાનું હોય જેથી ભેંસો ફેરવી લેવાનું જણાવતા કહેલ કે મારી ભેંસો બંધાઇ તે જગ્‍યા મારી છે તેવુ જણાવી જમાલ બચુભાઇ, અમ્‍દુલ ઉર્ફે અમ્‍બો બચુભાઇ, મહેબુબ અમ્‍દુલભાઇ, જહાંગીર જમાલભાઇ મહિડાએ ગાળો બોલી આજે તો આને પતાવે દેવો છે તેવુ જણાવી પાઇપ, ધારીયા અને કુહાડી વડે જીવલેણ હુમલો કરી ઇજા કરી ધમકી આપ્‍યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઇ એન.એ.વાઘેલા ચલાવી રહયા છ

ત્રાસ

સાવરકુંડલામાં ખાદી કાર્યાલય પાસે રહેતી તનવીરબેન મોસીન ખાન પઠાણ ઉ.વ.૨૮ ને પતી મોશીન હમીદખાન, સાસુ સમીમબેન હમીદખાન, નણંદ હીનાબેન યુસુફભાઇ પઠાણ દ્વારા કરીયાવર અને રસોઇ પ્રશ્‍ને ઝઘડો કરી ત્રાસ આપ્‍યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માર માર્યો

 નાળ ગામે અમરેલી ચિતલ રોડ ઉપર પરેશભાઇ મનુભાઇ ચોૈહાણ ઉ.વ.૩૦ એસટી વર્કશોપમાં બસ મુકી પોતાનું બાઇક લઇ ઘરે જતા હતા ત્‍યારે પોતે માવો ખાધલ હોય અને થુંકવા જતા પાછળ આવતા બાઇક ચાલકને થુંક ઉડેલ જેથી મુળજીભાઇ ચુડાસમા પોલીસવાળાના બે છોકરાઓ સહિત ત્રણ શખ્‍સોએ ગાળો બોલી પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા કર્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છેડતી

સાવરકુંડલા તાલુકાના નાળ ગામે રહેતી પરીણીત મહિલાને પંચાયતના નળનું પાણી પાઇપલાઇનથી ભરતા હોય ત્‍યારે તેજ ગામના માવજી કાનાભાઇ બગડા બાઇક લઇને નીકળતા પાણીની પાઇપ ઉપર બાઇક નહિં ચલાવાનું જણાવતા તેનું મનદુઃખ રાખી થોડી વાર પછીઆવીને ગાળો બોલી ઝુંપડામાં પ્રવેશ કરી માર મારી છેડતી કર્યાની વંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:49 pm IST)