Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દ્વારકાના દરિયામાં પ યુવકો ન્‍હાવા પડયા : ૪ નો બચાવ : ૧ લાપતા

મહેસાણાથી આવેલા યુવકો ગરમીથી બચવા પાણીમાં પડયા અને મોજામાં તણાયા : સ્‍થાનિક તરવૈયાઓએ બચાવતા મોટી જાનહાની અટકી

દ્વારકા દરિયામાં શોધખોળ કામગીરી તથા લોકો નજરે પડે છે. (તસ્‍વીર : અહેવાલ : દિપેશ સામાણી-ઓમ થોભાણી (દ્વારકા) કૌશલ સવજાણી (ખંભાળીયા)

(વિનુભાઇ સામાણી-કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા-દ્વારકા તા. ૭ : દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે બપોરે મોટી જાનહાની થતા અટકી હતી. જો કે એક યુવક પાણીમાં લાપતા થતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દ્વારકાના પંચકુઇ વિસ્‍તારમાં આજે મહેસાણાથી ફરવા આવેલા પ યુવકો પાણીમાં ન્‍હાવા પડયા હતા. પરંતુ અચાનક દરિયાના મોજામાં આ પાંચેય યુવકો દરિયા તરફ ખેંચાવા લાગતા રાડારાડ થઇ ગઇ હતી.

જેથી સ્‍થાનિક તરવૈયાઓએ પાણીમાં છલાંગ લગાવીને પાંચમાંથી ૪ યુવકોને બચાવી લીધા હતા.

જયારે એક ૧૪ વર્ષિય કિશોર પાણીના પ્રવાહમાં દૂર જતો રહેતા  તેની શોધખોળ સ્‍થાનિક તરવૈયાઓ અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ બનાવ બનતા દ્વારકા પંચકુઇ વિસ્‍તારના દરિયા કિનારે લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. 

(3:47 pm IST)