Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

સવારે વાદળછાયુ વાતાવરણ : આખો દિવસ ઉકળાટ

કમોસમી વરસાદ વરસે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને નુકસાનની ભિતી : ખેડૂતો ચિંતીત

રાજકોટ તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આજે સવારે વાદળછાયુ વાતાવરણ છવાયું હતું અને આખો દિવસ ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.
સવારે અચાનક વાદળા છવાઇ જતા કમોસમી વરસાદની ખેડૂતો ચિંતા કરવા લાગ્‍યા હતા અને જો વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને નુકસાન થવાની શક્‍યતા છે.
રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક વિસ્‍તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળતા ખેડૂતો ફરી ચિંતીત થયા છે. જો કમોસમી વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે.
કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન થાય તેમ છે. સૌરાષ્‍ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે. થોડા દિવસોથી પવન ઉત્તર તરફનો થઇ જતા ભેજનું પ્રમાણ ઘટ્‍યું છે અને ગરમીનું પ્રમાણ વધ્‍યું છે. કર્ણાટક પાસે અટકેલું નૈઋત્‍યનું ચોમાસું આગળ વધે તેવા સંયોગો જોવા મળી રહ્યા છે. બે ત્રણ દિવસ પછી ગરમી ઘટવા સાથે અટકી ગયેલી પ્રિ-મોન્‍સૂન એક્‍ટિવિટીઝ કાર્યરત થવાની સંભાવના છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૨, અમરેલીમાં ૪૨, ભાવનગરમાં ૩૮, દ્વારકામાં ૩૨, ઓખામાં ૩૩, પોરબંદરમાં ૩૪, વેરાવળમાં ૩૪, દીવમાં ૩૨, સુરેન્‍દ્રનગરમાં ૪૨, મહુવામાં ૩૫, કેશોદમાં ૩૭, ભુજમાં ૪૦, નલિયામાં ૩૫, કંડલામાં ૪૧ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ધરતીપુત્રો હાલ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે ચોમાસું સમયસર રહેશે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે ખેડૂતોમાં આશા બંધાઇ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭ મહત્તમ, ૨૮.૨ લઘુત્તમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

 

(11:24 am IST)