Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

જુલાઇ - ઓગસ્‍ટના મધ્‍યમાં અતિવૃષ્‍ટિની સંભાવના : ૧૨ આની વરસ થશે

જુનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનો પ્રારંભ થશે : ઓક્‍ટોબરના ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ વિદાય લે તેવી શક્‍યતા : કપાસ, મગફળી, તુવેર, એરંડા, સોયાબીન તથા શિયાળુ પાક સારા થશે : વર્ષા વિજ્ઞાન મંડળ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૭ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૨યોજાયો હતો.  આ પરિસંવાદનું ઉદ્દઘાટન કરતાં પ્રો.  નરેન્‍દ્ર કુમાર ગોંટિયા, કુલપતિશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢએ જણાવેલ કે વરસાદની આગાહીનું ઘણું મહત્‍વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પાક પસંદગી તથા પિયત વ્‍યવસ્‍થાનું આયોજન કરી શકે છે. આ આગાહી તંત્રને પણ ખૂબ ઉપયોગી પૂરવાર થતી હોય છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. તે માટે છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત આ મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્‍તકના રૂપમાં પ્રસિધ્‍ધ કરવા જરૂરી છે. તેમણે આવા સુંદર અને ઉપયોગી સેમીનારનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્‍યા હતા.
વધુમાં તેઓએ ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષશાષા, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્‍પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલસર્વે આગાહીકારોને બિરદાવેલ હતા.
આ પ્રસંગે શ્રી જેરામભાઇ ટીંબડીયા, ડો. પી.આર. કાનાણી તેમજ ડો. જે.ડી. ગુંદાલીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતુ. કાર્યક્રમના પ્રારંભે સહ વિસ્‍તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રીશ્રી ડો. જી.આર. ગોહિલએ ઉપસ્‍થિત રહેલ સર્વે મહાનુભાવો, અધિકારીશ્રીઓ, આગાહીકારો અને ખેડૂતોનું સ્‍વાગત કરેલ હતુ. જયારે ડો. એચ.એમ. ગાજીપરા, વિસ્‍તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખશ્રીએઉદ્દબોધન કરતાં જણાવ્‍યુ કે, આગાહીકારો ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્‍પતિમાં થતા ફેરફારો, પશુ-પક્ષીની ચેષ્ટા તેમજ ભડલી વાકયો વગેરેનો આધાર લઇને પોતાના પૂર્વાનુમાનો રજૂ કરતા હોય છે. આગાહીકારોને તેમના નિયમિત અવલોકનો લઇ યુનિવર્સિટીમાં મોકલી આપવા જણાવેલ. આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્‍યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે.
ચોમાસાનું પૂર્વાનુમાન ખેતી પાકોની યોગ્‍ય પસંદગી તેમજ ખેતીના આયોજનમાં ઘણું જ ઉપયોગી બની રહે છે. આ પ્રસંગે ડો. એ.એમ. પારખીયા, કૃષિ યુનિવર્સિટી નિયામક મંડળનાં સભ્‍યશ્રી અને નિવૃત્ત વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રી ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે અંતમાં, ડો. વાય.એચ. ઘેલાણી, તાલીમ સહાયકશ્રીએ આભાર દર્શન કર્યુ હતુ.
આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્‍તારમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતાં ખડૂતોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ઉત્‍સાહભેર ભાગ લીધેલ હતો અને ૪૬ જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી.

 

(11:20 am IST)