Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

અદાણી ફાઉન્ડેશન દ્વારા“ વિશ્વ પર્યાવરણ દિન” ની ઉજવણી પ્રસંગે મુંદરા તાલુકાનાં વિવિધ સ્થળોએ ૫૧૦૦૦ વૃક્ષ ઉછેરનો સંકલ્પ

પ્રતાપપરમા આઈશ્રી વિસરી માતા સંકુલમાં વિશાળ જગ્યામાં આશરે ૨૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેમાં ટપક સિંચાઈની વ્યવસ્થા ઊભી કરી, વૃક્ષના સંરક્ષણ માટે કાંટાળી જાળી સાથેની વાડ કરી ઉછેરવામાં આવશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશનના આ સંકલ્પને પાર પાડવા અને સહયોગી બનવા  માટે ગ્રામ પંચાયત -મોટી ભુજપુર, આઈશ્રી વિસરીમાતા સેવા ટ્રસ્ટ, નહેરુ યુવા કેન્દ્ર -ભુજ તથા સામાજિક વનીકરણ વિભાગ-મુંદરા વગેરે એ આ પ્રકૃતિના પોષણકાર્યમાં તન-મન અને ધનથી સાથે જોડાયા હતા.  

અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ “ વિશ્વ પર્યાવરણ દિન “ પ્રસંગે મોટી ભુજપુર જુથ  પંચાયત સાથે રહીને પ્રતાપપર ગામમાં આવેલ આઈશ્રી વિસરી માતા સંકુલમાં વિશાળ જગ્યામાં આશરે ૨૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેમાં ટપક સિંચાઈની વ્યવસ્થા ઊભી કરી, વૃક્ષના સંરક્ષણ માટે કાંટાળી જાળી સાથેની વાડ કરી ઉછેરવામાં આવશે.

કચ્છ કોપર લિમિટેડના પ્લાન્ટ હેડ શ્રી જોનરોસરી ફ્રેંકમોરિસસાહેબના વરદ હસ્તે વૃક્ષ વાવેતરનો  શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓએ આ પ્રાંગણમાં વધારેમાં વધારે વૃક્ષો ઉછેરીને હરિયાળું બનાવવામાં આવશે તેમજ સ્થાનિકે આગેવાનો તથા ખેડૂતોને જણાવેલ કે આપ પણ અમારી સાથે જોડાઈને વધારે વૃક્ષોનું વાવેતર કરી ઉછેરશો જેથી ભવિષ્યમાં આવનારી પેઢી માટે આપણે કઈક કર્યાનો સંતોષ લઈ શકીશું. અમારા તરફથી તમામ સહયોગ મળી રહેશે તેની ખાત્રી આપી શુભેચ્છા પાઠવી હતી.

વૃક્ષારોપણની શરૂઆતમાં તમામ મહાનુભાવોએ આઈશ્રી વિસરી માતાના અને ભોલેનાથના આશીર્વાદ મેળવીને સામૂહિક રીતે વિદ્વાન શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોકત વિધિથી વૃક્ષનું પૂજનવિધિ  કરી વૃક્ષારોપણ કરવામાં આવેલ. કારણ કે વૃક્ષએ દેવતા પણ છે અને ધરતીમાતાનું ઘરેણું પણ છે.  ત્યારબાદ જે પ્લોટમાં વાવેતર કરવાનું છે,તે પ્લોટમાં ટ્રેક્ટર દ્વારા ખેડ માટેનો શ્રીફળ વધેરીને શુભારંભ કરાવેલ.

આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી પી.ટી.પ્રજાપતિસાહેબ -પ્રાંત અધિકારીશ્રી -મુંદરાએ પૂર્ણ સમય હાજરી આપીને ઉપસ્થિતોને જણાવેલ કે આપણે આપણાં જ જીવનને બચાવવા માટે વૃક્ષો જરૂરી છે. જો તેનું જીવની જેમ જતન કરવામાં નહીં આવે તો આપણે જીવી શકીશું નહીં. આ સંકૂલ વૃક્ષોથી હર્યું ભર્યું બનાવવા આપ સૌ સાથે મળીને કામ કરશો,ભાગીદારીથી સંકલ્પ પૂરો કરશો તેવી નેમ વ્યક્ત કરેલ.  મુંદરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી સંજયભાઈ  ડાંગર સાહેબે આજે નક્કી થયેલા પાંચ સ્થળોએ ૫૧૦૦૦ વૃક્ષો ઉછેરવા માટે અમારા વિભાગ તરફથી સંપૂર્ણ સહયોગ સાથે જણાવ્યુ કે આવી ધાર્મિક અને શૈક્ષણિક જગ્યાએ વાવેલા તમામ વૃક્ષો સાથે સ્થાનિક લોકોની લાગણી જોડાય છે આથી તેમના સહયોગ સાથે આ સંકલ્પ પૂર્ણ થશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ.
 
નહેરુ યુવા કેન્દ્ર-ભુજના જિલ્લા યુવા વિકાસ અધિકારી સુજ્ઞશ્રી રચનાબેન વર્માએ યુવાનોને પ્રોત્સાહન આપતા જણાવેલ કે આ સંકુલમાં ભણતા તમામ યુવાનો પાંચ પાંચ વૃક્ષો દત્તક લે અને પોતાના અભ્યાસકાળ દરમ્યાન કાળજી લઈને તેને ઉછેરે તો આ સંકુલમાં તેની કાયમી યાદ રહી જશે અને બીજા વિધ્યાર્થીને પણ પ્રેરણા મળશે.આ સ્થળેથી અદાણી ફાઉન્ડેશનના પર્યાવરણમા આવડા મોટા પ્રમાણમા વૃક્ષ ઉછેરની કામગીરીને બિરદાવી હતી. અદાણી કોર્પોરેટ અફેર્સના હેડ શ્રી સૌરભ શાહસાહેબે ખાસ જણાવ્યુ કે આદરણીયશ્રી ગૌતમભાઈને મુંદરા તાલુકામાં વધારે સારી પ્રવૃત્તિઓ થાય તેને માટે વિશેષ લગાવ છે, તેમની પ્રેરણાથી શ્રી રક્ષિતભાઈ શાહ પણ આવી સારી પ્રવૃત્તિમાં વિશેષ રસ લઈને પ્રોત્સાહન આપે છે જેના કારણે અમારી ટીમ સ્થાનિકે લોકો સાથે રહીને લોક ઉપયોગી અને આવતી પેઢીની સલામતી માટે કામ કરી રહી છે. પોતાના વતનમાં થયેલ વૃક્ષ વાવેતરની કામગીરીના મીઠા સંભારણા રજૂ કરી વૃક્ષોનું મહત્વ સમજાવેલ. મોટી ભુજપુર જુથ ગ્રામ પંચાયતના ઉપસરપંચશ્રી માણેકભાઈ ગઢવીએ પંચાયત દ્વારા અદાણી ફાઉન્ડેશનને પ્રજાલક્ષી પ્રવૃત્તિ માટે અભિનંદન આપીને સંયુક્ત પ્રયાસથી આદરેલા વૃક્ષારોપણ, ગૌચર વિકાસ, જળસંગ્રહ તથા પ્લાસ્ટિક મુક્ત ગામ માટે “ સ્વચ્છ ભુજપુર હરિયાળું ભુજપુર” માટેના અભિયાનમાં થયેલ કામોની અને થનારા કામોની વિસ્તૃત માહિતી આપી સૌને આ અભિયાનમાં જોડાવા અપીલ પણ કરી હતી.

આઈશ્રી વિસરી માતા સેવા ટ્રસ્ટનાં પ્રમુખ અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી વિરમભાઇ ગઢવીએ પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહ્યું કે “ અમોએ ઘણા વર્ષોથી આ સંકૂલ માટે જોયેલ સપનું સાકર થતું જણાય છે. સારા કામ માટે અમોને જ્યારે જરૂર પડી ત્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા સહયોગ મળ્યો જ છે. આ સંકુલમાં અમો ૨૦૦ જેટલા ખારેકના રોપાઓનું વાવેતર કરી ભવિષ્યમાં આ શાળામાં ભણતાં બાળકોને ખાવા માટે તથા તેનું વેચાણ કરી આ શાળાના વિકાસ માટે એક સ્વભંડોળ થઈ શકે  જેથી આ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ આપી શકાય. આ વર્ષે આ સંકુલમાં ચાલતી સાંદિપની શાળાનું ધોરણ -૧૨ નું  ૧૦૦% પરિણામ આવેલ છે જેના માટે આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ તથા વિધ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામા આવેલ.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન -મુંદરાના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે “ આ સંકલ્પને પાર પાડવા લોકભાગીદારીને ખૂબ અગત્યની ગણાવીને સૌના સહકારથી જ આ શક્ય બનશે. તેવી શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકૂલના મોભી શ્રી રાણશીબાપા, ભુજપુરના સરપંચશ્રી લક્ષ્મીબેન ભીમજીભાઈ નિંજાર, મુરજીભાઇ ગઢવી, રતનભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી આસરિયાભાઈ, મુંદરા ચારણ સમાજના પ્રમુખશ્રી ડોસાભાઈ બાતીયા, દેવરાજભાઈ ગઢવી, પુનશીભાઈ ગઢવી તથા આજુબાજુની વાડી વિસ્તારના ખેડૂતો તથા આગેવાનો હાજર રહેલ. આ સ્થળેથી રેન્જ ફોરેસ્ટ તરફથી પક્ષીઓને પાણી માટે કુંડાં તથા નહેરુ યુવા કેન્દ્ર તરફથી વૃક્ષારોપણ માટે સર્ટિફિકેટ આપવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને વ્યવસ્થા અદાણી સિનિયર પ્રોજેકટ ઓફિસરશ્રી કરશનભાઇ ગઢવી તથા આભારવિધિ આચાર્યશ્રી કરશનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે સમગ્ર અદાણી ફાઉન્ડેશનની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

(10:00 am IST)