Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

થાનના સરોડી ગામે મામલતદાર રાણા લાવડીયાનો બીજો દરોડો : ખનીજની લીઝ સીલઃ ૪૨ લાખનો મુદ્દામાલ કબજે

કલેકટરની સૂચના બાદ ટીમો ત્રાટકી અનેક ગંભીર ગેરરિતીઓ મળી આવી

રાજકોટ,તા. ૬ : સુરેન્‍દ્રનગર કલેકટર અને પ્રાંત અધિકારી ચોટીલાના માર્ગદર્શન હેઠળ ગઇ કાલે થાનગઢ તાલુકામાં ખનીજોની આવેલ લીઝ હોલ્‍ડરો દ્વારા મોટાપાયુ ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો -૨૦૧૭ ના નિયમો વિરૂધ્‍ધ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય, લીઝોની તપાસ કરવા સુચના થતાં માન. મામલતદારશ્રી રાણા લાવડીયા અને તેમની ટીમ ભીમા લાખાની લીઝ વિસ્‍તારમાં ત્રાટકતા અનેક ગેરરિતી ઝડપાઇ હતી, પરિણામે લીઝ સીલ કરી ૪૨ લાખનો મુદ્દામાલ જપ્‍ત કરાયો હતો.
થાનગઢ તાલુકાના મોજે સરોડી ગામમાં સરકારી ખરાબાનાં સર્વે નંબર ૧૮૮ પૈકી, હે. ૧-૦૦-૦૦ ચો.મી. વિસ્‍તારની આવેલ છે. જેની વિગતવાર તપાસ કરવામાં આવતા અને ગંભીર ગેરરિતી જણાય આવેલ જેમાં તળાવ, નહેર કે અન્‍ય જળમંડળથી ૧ કિ.મી. વિસ્‍તારમાં ખાણકામ ન કરવા ગુજરાત ગૌણ ખનીજ છુટછાટ નિયમો-૨૦૧૭ થી જોગવાઇ છતા સરોડી ગામનાં તળાવથી ૧ કિ.મી.ની હદમાં ખાણકામ ધમધમતુ જોવા મળેલ. જેના કારણે જળસૃષ્‍ટિના જળચરો-વનસ્‍પતિના અસ્‍તિત્‍વને ખતરો પહોંચીને પર્યાવરણને નુકસાન પહોંચાડયાનું જણાય આવેલ. લીઝ હોલ્‍ડરોએ ઉકત નિયમ ૨૦૧૭ ના નિયમ -૧૫ (૧૭) (ક થી દ) મુજબનું તારીખ પ્રમાણે ઉત્‍પાદન  અને રવાનગી રજીસ્‍ટર, મજૂરોનું હાજરીપત્રક, મેળવેલ નાણા, બિન વેચાણ પાત્ર ખનીજો વિગેરે રેકર્ડ, હિસાબી સાહિત્‍ય નિભાવવાનું હોય છે. તપાસણી સમયે કોઇ જવાબદાર વ્‍યકિત હાજર નથી કે આવું કોઇ પણ જાતનું રેકર્ડ તપાસણી સમયે રજુ થયેલ નથી.
યંત્રની કામગીરીનો અહેવાલ તારીખવાર લોગબુકમાં નિભાવવાનો રહે છે, જે તપાસણી સમયે રજુ કરેલ નથી જેથી ખરેખર વપરાશની વિગતો છુપાવવાનો આશય જણાય આવેલ છે.
લીઝની મુદ્દત તા. ૨૪/૨/૨૦૨૧થી પૂર્ણ થયેલ છે. વધુ મુદ્દત માટે રીન્‍યુ થયાનું રેકર્ડથી જણાઇ આવતુ નથી જેથી અનધિકૃત રીતે સેન્‍ડ્‍સ્‍ટોન ખનન થઇ રહેલ છે. જે અતિ ગંભીર છે અને ઉકત આદેશ -૨૦૧૭ની જોગવાઇઓનો ભંગ કરેલ છે.
આવી અનધિકૃત રીતે ખનની પ્રવૃતિ અટકાવવા પર્યાવરણ-જળમંડળના જળચરો વનસ્‍પિતને થતુ વધુ નુકશાન અટકાવવા સબબ ૬ કટ્ટર મશીનો સીલ કરવામાં આવેલ અને રૂા. ૪૨,૦૦,૦૦ નો મુદ્દામાલ જપ્‍ત કરવામાં આવેલ હતો.

 

(10:20 am IST)