Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

વાદળો સાથે વાતો કરતા ગિરનારની આહલાદ્ક નજારો કેમેરામાં કેદમાં કંડારાયો :પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

ચોમાસાની ઋતુ દરમિયાન ગિરનાર પર્વત પરથી અનેક ઝરણા સજીવન થાય છે

જૂનાગઢ :ગિરનારની સુંદરતા જોવી હોય તો ચોમાસાની ઋતુ દરમિયાન તેની મુલાકાત લેવી રહી. ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દરમિયાન ગિરનાર પર્વત પરથી અનેક ઝરણા સજીવન થાય છે. પર્વતના પગથિયા પરથી પણ પાણી ખડખડ વહેતું વહેતું નીચે આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ ખાસ કરીને ચોમાસામાં ગિરનારની મુલાકાત લેતા હોય છે. ગુજરાતમાં ચોમાસું નજીક છે ત્યારે વાદળો સાથે વાતો કરતા ગિરનાર પર્વતની કેટલિક સુંદર તસવીરો કેમેરામાં કેદ થઈ છે.

તાજેતરમાં જૂનાગઢ શહેરમાં આવેલા અને જગવિખ્યાત ગિરનાર પર્વત પર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. જેની સુંદર તસવીરો કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે. જેમાં ખરેખર એવું લાગે કે ગિરનાર પર્વત વાદળો સાથે વાતો કરી રહ્યો છે. હાલ ગિરનાર ખાતે અંબાજી સુધીની રોપ-વે સેવા પર શરૂ છે. આ ઉપરાંત પગથિયાં ચઢીને પણ ગિરનાર પર્વત પર ચઢી શકાય છે. તાજેતરમાં ગિરનાર પર્વત પર જે આહલાદક માહોલ સર્જાયો હતો તેનો લ્હાવો ગિરનાર પર્વત પર ચઢનારા લોકોએ લીધો હતો.

રોપ-વેથી ગિરનાર પર્વત પર ચઢનારા લોકોએ પણ ગિરનારનો આ માહોલ નજીકથી માણ્યો હતો. જે લોકો ભૂતકાળમાં ગિરનાર પર્વતની મુલાકાત લઈ ચૂક્યા છે તેઓ જાણતા હશે કે જ્યારે જ્યારે વાદળછાયું વાતાવરણ બને છે ત્યારે ગિરનારની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. તાજેતરમાં જે તસવીરો સામે આવી છે તેના પરથી તો કોઈ પણ વ્યક્તિ ચકિત થઈ જાય છે

ગિરનાર પર્વત વિશે વાત કરીએ તો જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલો પર્વતોનો એક સમુહ છે. ગિરનાર પર પાંચ ઊંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર 3,600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માળી પરબ 1800 ફૂટની ઊંચાઈ પર આવેલા છે.
ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. એક અંદાજ પ્રમાણે ગિરનારના શિખર સુધી પહોંચવા માટે 9,999 પગથિયાં ચઢવા પડે છે.

(8:30 pm IST)