Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જમીનના પૈસાના ડખ્ખામાં બોટાદના ત્રણ ભરવાડ ભાઇઓ અને ભત્રીજા પર ગોલીડા ગામમાં હુમલો

વરજાંગ બોળીયા અને ચાર શખ્સોએ પૈસા લઇ જવા બોલાવી ધોકા-પાઇપથી હુમલો કર્યોઃ નાથાભાઇ મીર, હીરાભાઇ, ભગવાનભાઇ અને સંજયને ઇજાઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: બોટાદના ત્રણ ભરવાડ ભાઇઓ અને એક ભત્રીજા પર રાજકોટના સરધાર તાબેના ગોલીડા ગામમાં ભરવાડ શખ્સોએ જમીનના પૈસાના ડખ્ખામાં ધોકા-પાઇપથી હુમલો કરતાં ચારેયને દાખલ કરવા પડ્યા હતાં.

બોટાદ પોલીસ લાઇન પાસે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં નાથાભાઇ મેરાભાઇ મીર (ઉ.૫૫), તેના ભાઇ હીરાભાઇ મેરાભાઇ મીર (ઉ.૫૦), પિત્રાઇ ભગવાનભાઇ વહરાભાઇ મીર (ઉ.૪૨) અને ભત્રીજા સંજય રઘુભાઇ મીર (ઉ.૩૦) ગત રાત્રે સાડા નવેક વાગ્યે ગોલીડા ગામની સીમમાં આવેલી મુળ બોટાદના વરજાંગ વીહાભાઇ બોળીયા (ભરવાડ)ની વાડીએ હતાં ત્યારે વરજાંગ અને સાથેના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુ અને ધોકા-પાઇપથી માર મારતાં ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

પી.એસ.આઇ. વી. સી. વાઘેલા, હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ નાથાભાઇની ફરિયાદ પરથી વરજાંગ સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો. નાથાભાઇના કહેવા મુજબ બોટાદમાં આવેલી તેના ભત્રીજા સુરેશ હમીરભાઇ મીરની જમીન વરજાંગ બોળીયાએ ખરીદી હતી. તેના ૧૨ લાખ હજુ તેણે ચુકવ્યા ન હોઇ તેની ઉઘરાણી કરવામાં આવતાં માથાકુટ થઇ હતી. ગઇકાલે આ બાબતે સમાધાનની વાતચીત કરવા અને પૈસા લઇ જવાનું કહી વરજાંગે પોતાની વાડીએ બોલાવતાં પોતે ભાઇઓ, ભત્રીજા સાથે ગોલીડા આવતાં માથાકુટ કરી ગાળો દઇ હુમલો કરાયો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(11:27 am IST)