Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

છતીસગઢના દુર્ગમાં 'પુણ્ય'નો પ્રકાશ પથરાયો...જલારામ બાપા મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવે ધરતીને ઓઢાડી 'ધન્યતા'ની ચાદર

લોહાણા મહાજન સમાજની ઝંખના પરિપૂર્ણઃ સતત ત્રણ દિ' ગૂંજયો'તો જયજયકાર, પાવન-આસ્થાસભર પ્રસંગોએ ઇતિહાસ રચી દીધોઃ મોંઘામુલા મહોત્સવમાં અન્ય દેવ-દેવીઓની મૂર્તિની પધરામણના સાક્ષી બન્યા લોહાણા સમાજના શ્રધ્ધાળુઓ

રાજકોટ તા.૭: શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને દેશભરમાં અવાર-નવાર ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવોનો લ્હાવો લઇ શ્રધ્ધાળુઓ જીવનમાં પુણ્યનું ભાથું બાંધી રહયા છે...એવી જ રીતે છત્તીસગઢના દુર્ગ શહેર ખાતે ધર્મભીના માહોલમાં આસ્થાભેર યોજાયેલા ત્રિદિવસીય જલારામબાપાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવથી પાવન ધરાએ ધન્યતાની ચાદર ઓઢી હતી...વિવિધ ધાર્મિક કાયક્રમો માણી સૌ શ્રધ્ધાળુઓએ પુણ્યનો પ્રકાશ પણ પથરાવ્યો હતો.

જેમાં દર્ગ ખાતે શ્રી શિતળા માતાજીના મંદિરની બાજુમાં ગૌરવપથ ઉપર આવેલા શ્રી જલારામ બાપાના મંદિરે ત્રિદિવસીય ધર્મોત્સવમાં પુજનવિધી, જલયાત્રા, દેહશુધ્ધિ, જલાધિવાસ, સંધ્યાપુજન, સંધ્યા આરતી, જલારામ જીવનદર્શનમ્, ઙ્ગભજન સંધ્યા, શોભાયાત્રા,ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી...દુર્ગના સ્વ.શાન્તાબેન, સ્વ.લાલજીભાઇ આડતિયાની સ્મૃતિમાં પરિવારજનો તથા સ્વ.અનસુયાબેન અને સ્વ.કાંતિભાઇ કાનાબારની સ્મૃતિરૂપે પરિવારના મુખ્ય યજમાનપદે પ્રાણ-પ્રતિષ્ઠા વિધી ઉમેશભાઇ જાની (ભાગવતાચાર્ય-ભિલાઇ,છત્તીસગઢ)એ કરાવી હતી.

આ પ્રસંગે જલારામબાપાના જીવન-કવન આધારીત પાત્રો જાણીતા કવિ મુકુન્દભાઇ કૌશલના પુત્ર અક્ષત કૌશલ, નેહા કૌશલના નિર્દેશનમાં રજુ થયા હતા.એવી જ રીતે ભજન સંધ્યા ગાયક-સંગીતકાર રાજીવ વિજયવર્ગીય (જયપુર) દ્વારા રજુ થઇ હતી...જયારે ઓ કાન્હાની ધૂન ભાગવતભૂષણ મગનભાઇ રાજયગુરૂ (બાપજી-મુંબઇ) તથા હરેશભાઇ રાજયગુરૂ(મુંબઇ) દ્વારા મહાઆરતી યોજાઇ હતી.

અત્રે નોંધનીય છે કે, શ્રી જલારામબાપાની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા સાથે સાથે શ્રી શિવ દરબાર, શ્રી સીતા રામજી, શ્રી અંબે માતાજી, શ્રી નાથજી બાબા, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી સાંઇબાબા, શ્રી ગણેશજી, શ્રી રાધા-કૃષ્ણજી, શ્રી દરિયાલાલ દાદા, શ્રી હનુમાનદાદા,શ્રી શિતળા માતાજી, શ્રી રામદેવપીર ભગવાનની મૂર્તિઓની પધરામણીનો અમૂલ્ય લ્હાવો ઉપસ્થિત સૌને પ્રાપ્ત થવા પામ્યો હતો...પાવનકારી મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠાવિધીનો વિવિધ શ્રધ્ધાળુ દાતા પરિવારોએ લાભ લીધો હતો.

ખુશીની વાત એ છે કે, ભારતના અન્ય શહેરોની જેમ જ દુર્ગમાં પણ ભગવાનની ભકિત અને માનવ સેવાની મશાલની જયોત ઝળહળાવવા માટે ૨૫ જુન, ૨૦૦૩ના દિવસે મંદિરનું ભૂમિપૂજન કરાયું હતુ...મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થતા બાદ પ્રાણ-પ્રતિષ્ઠાનો પુણ્યભીનો પ્રસંગ આંગણે આવ્યો એ ઘડીએ  સૌ ભાવિકોના હૈયા હરખાવા લાગ્યા હતા.

ધર્મોત્સવ પ્રસંગે રાજકીય, સામાજીક અગ્રણીઓ સહિત લોહાણા સમાજના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ધર્મલાભ લેવા ઉમટી પડયા હતા.સફળતા અપાવવા માટે લોહાણા મહાજન સમાજના અધ્યક્ષ દિલીપભાઇ લાખાણી, ઉપાધ્યક્ષ યોગેશભાઇ વિઠ્ઠલાણી, મંત્રી જયંતિભાઇ આડતિયા, સહમંત્રી રાજેશભાઇ રાજેશભાઇ રાજા, કોષાધ્યક્ષ મુકેશભાઇ મીરાણી, કાર્યકારી સદસ્ય વલ્લભભાઇ કારિયા, કાંતિલાલભાઇ સોમૈયા સહિત લોહાણા મહિલા મંડળના અધ્યક્ષ પ્રતિમાબેન, ઉપાધ્યક્ષ વિમલાબેન લાખાણી, કલાબેન કારિયા, મંત્રી પૂનમબેન રાજા, સહમંત્રી  માધુરીબેન ભીમજીયાણી, કોષાધ્યક્ષ અનુબન કારિયા, સહ કોષાધ્યક્ષ ભાવનાબેન વિઠ્ઠલાણીની સાથે સાથે તમામ રઘુવંશી સેવા સમિતિના સભ્યોએ પણ જહેમત ઉઠાવી હતી.(૨૧.૩)

ભકિત અને માનવ સેવાની મશાલની જયોત ઝળહળાવવા માટે ૨૫ જુન, ૨૦૦૩ના દિવસે મંદિરનું ભૂમિપૂજન કરાયુ'તું

પાવનકારી મૂર્તિઓના  વિવિધ દાતા  પરિવારજનોએ અમૂલ્ય  લ્હાવો લઇ  બાધ્યું પુણ્યનું ભાથું

(9:43 am IST)