Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા રાજ્યપાલ

જૂનાગઢ,તા.૩૦ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ઉપસ્થિત  પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખેડૂત અને ખેતીની આત્મનિર્ભરતા આવશ્યક છે અને એ માટે પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે.

રાજયપાલએ જૈવિક કૃષિ અથાત ઓર્ગેનિક કૃષિને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી  સાવ અલગ ગણાવી ઉમેર્યુ હતું કે, ઓર્ગેનીક કૃષીમાં કૃષી ખર્ચ ઘટતો નથી. નીંદામણની સમસ્યાનો હલ થતો નથી. અને ઉત્પાદન પણ શરૃઆતના વર્ષોમાં ઘટે છે. જયારે -પ્રાકૃતિક કૃષિ પદ્ધતીમાં કૃષિ ખર્ચ નહીવત થાય છે અને ઉત્પાદન ઘટતું નથી.

રાજયપાલએ પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગ આપી પ્રકૃતિનું જતન કરવાનું માધ્યમ ગણાવી ભાવી પેઢી માટે જળ, જમીન અને પર્યાવરણનું સંરક્ષણ કરવા, લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા  અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન દેશી ગાયના જતન સંવર્ધન માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે ફેમિલી ડોકટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને મૂર્તિમંત કરવા ભારપૂર્વક જણાવ્યું હતુ.

કાર્યક્રમના પ્રારંભે કલેકટર  શ્રી રચિત રાજે સ્વાગત પ્રવચન અને અંતમાં જિલ્લા વિકાસ અધિકારી  મિરાંત પરીખે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર   રાજેશ તન્ના,  જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટૃી,  આસીસટન્ટ કલેકટર  હનુલ ચૈાધરી, અધિક નિવાસી કલેકટર  એલ.બી. બાંભણીયા, સરપંચો, બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ – બહેનો  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:08 pm IST)