Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

૫૦૦ કિમીનું અંતર કાપી બારડોલીના રીક્ષા ચાલકે વીરપુરમાં મનાવ્‍યો પોતાનો જન્‍મદિન

     (કિશન મોરબીયા દ્વારા) વીરપુર જલારામ,તા.૧ : પૂજ્‍ય જલારામ બાપા ઉપર અખૂટ આસ્‍થા ધરાવતા એક બારડોલીના રીક્ષા ચાલક ગબરભાઈ પોતાની રીક્ષા લઈને બારડોલી થી વીરપુર પોતાનો જન્‍મદિવસ મનાવવા આવી પહોંચ્‍યા હતા. બારડોલી થી વીરપુર આશરે ૫૦૦ કિલોમીટર જેટલું અંતર કાપીને પોતાની રીક્ષા લઈને દર વર્ષે પૂજ્‍ય જલારામ બાપાના દર્શન કરવા માટે આવે છે.

  ગબરભાઈએ જણાવ્‍યું હતું કે લોકો પોતાના જન્‍મદિવસ ઉજવવા અનેક પ્રકારના ખોટા ખર્ચ કરતા હોય છે ત્‍યારે મનમાં વિચાર કર્યો કે જન્‍મદિનમાં ખોટા ખર્ચ કરવો તેના કરતાં વીરપુર પૂજ્‍ય જલાબાપા પર ખૂબજ આસ્‍થા છે અને મારો જન્‍મદિવસ પણ ગુરુવારે આવતો હતો જેમને લઈને બારડોલી થી રીક્ષા લઈને નીકળી પડ્‍યો વીરપુર પૂજ્‍ય જલારામ બાપાના ધામમાં જેમાં તેમને બારડોલી થી વીરપુર પહોંચતા સોળ કલાક જેટલો સમય લાગ્‍યો હતો.

પૂજ્‍ય જલારામ બાપાના દર્શન કરવા અનેક ભાવિકો વીરપુર આવતા હોય છે ત્‍યારે  પોતાના જન્‍મદિવસ મનાવવા બારડોલી થી વીરપુર આવી ગબરભાઈએ પૂજ્‍ય જલા બાપાના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

(11:49 am IST)