Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત ભાજપનો પ્રશિક્ષણ વર્ગ

રાજકોટઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ 'સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન' અંતર્ગત સ્વાસ્થ્ય સ્વયંસેવકો માટે પ્રશિક્ષણ વર્ગ દેશભરમાં યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહાનગરના સ્વાસ્થ્ય સ્વયંસેવકો માટે પ્રશિક્ષણ શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ હતો. આ સ્વાસ્થ્ય સ્વયંસેવક પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. અતુલભાઈ પંડયા, જશુમતીબેન વસાણી, ડો. ચેતન લાલસેતા, ડો. મયંક ઠક્કર, ડો. જય ધીરવાણી સહિતના ઉપસ્થિત અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવેલ હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં વંદે માતરમ ગાન શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ કરેલ. ત્યાર બાદ મહાનગરના 'સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન'ના ઈન્ચાર્જ અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની માહિતી રજૂ કરી હતી. આ પ્રશિક્ષણ સત્ર-૧ માં શહેર ભાજપ ચિકિત્સા સેલના સંયોજક ડો. ચેતન લાલસેતાએ સ્વાસ્થ્ય સ્વયંસેવક સંકલ્પના અને તેની ભૂમિકા વિષય પર માર્ગદર્શન આપતા જણાવેલ કે સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન એ આખા દેશનું અભિયાન છે ત્યારે સૌએ કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઈ એક જુથ થઈને લડવાની છે. નિષ્ઠાવાન સ્વાસ્થ્ય સ્વયંસેવકો પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત થઈ જે-તે વિસ્તારોમાં ડોકટરો, સ્થાનિક આરોગ્ય કર્મીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સીવીલ હોસ્પીટલના સ્ટાફ સાથે સંકલન કરે અને સમાજ સેવાનો સંકલ્પ લઈ આત્મવિશ્વાસ સાથે કામ કરવા માટે તત્પર બને. સોંપાયેલ વોર્ડમાં લોકોને કોરોના અંગે માહિતગાર કરે. ઘેર-ઘેર જઈ ઘરના સભ્યોના આરોગ્યની માહિતી મેળવે અને તાવ, પલ્સ રેટ, ઓકિસજનની માત્રા વગેરે બાબતો પર નજર રાખે. ત્યાર બાદ સત્ર-૨માં ડો. મયંકભાઈ ઠક્કરે 'કોરોનાઃ સામાન્ય માહિતી' વિષય અંતર્ગત જણાવેલ કે કોવિડ-૧૯ નામના વાયરસથી થતા કોરોના એ વૈશ્વિક મહામારી બની ગઈ છે. બીમારીને અટકાવવા સમગ્ર દેશે એક સાથે કામ કરવું પડશે અને આ કાર્યમાં 'સ્વાસ્થ્ય સ્વયંસેવક'ની ભૂમિકા મહત્વની રહેશે. કોરોનાથી બચવા માટે હાલ દેશમાં કોવિશીલ્ડ, કોવેકસીન, સ્પૂતનિક એમ ત્રણ વેકસીનો ઉપલબ્ધ છે ત્યારે પ્રત્યેક નાગરિક વેકસીન લઈ કોરોના સામે રક્ષણ પ્રાપ્ત કરે તે માટે સ્વાસ્થ્ય સ્વયંસેવકનની ટીમ પ્રયત્નશીલ રહે. સત્ર-૩માં ડો. જય ધીરવાણીએ 'કોવિડને અનુકૂળ વ્યવહાર' વિષય અંતર્ગત જણાવેલ કે કોરોના વાઈરસને સંક્રમિત વ્યકિતમાંથી સ્વસ્થ વ્યકિત સુધી પહોંચતો રોકવા માટે સાવધાની રાખવી જરૂરી છે. લોકો 'દો ગજ કી દૂરી' સૂત્રને અનુસરે, ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અચૂક પહેરે, ઘરે જઈને સાબુથી ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવે, બહાર સેનીટાઈઝરનો ઉપયોગ કરે તે માટે સ્વાસ્થ્ય સ્વયંસેવકની ટીમ જાગૃતતા ફેલાવે. આ પ્રશિક્ષણ વર્ગનું સંચાલન 'સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન'ના સહઈન્ચાર્જ ડો. અતુલભાઈ પંડયાએ તેમજ અંતમાં આભારવિધિ જશુમતીબેન વસાણીએ કરેલ હતી. આ સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન પ્રશિક્ષણ વર્ગમાં આઈ.ટી. અને સોશ્યલ મીડીયાની જવાબદારી મનોજ ગરૈયા અને હાર્દીક બોરડે સંભાળેલ હતી.

(2:59 pm IST)