Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી બનો : ભૂપેન્‍દ્રભાઇ

સીએમની ઉપસ્‍થિતિમાં રાજકોટમાં ૨ કિમી લાંબી ભવ્‍ય તિરંગા યાત્રા : ૧ લાખથી વધુ લોકો તિરંગા સાથે જોડાયા : રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી - ઐતિહાસિક ધરોહર : રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો - બેન્‍ડની સુરાવલીઓ - પોલીસ બાઇક - વિદ્યાર્થીઓ - ડોકટર્સ - ઉદ્યોગકારો - શ્રેષ્‍ઠીઓએ તિરંગાયાત્રાને કાયમી સંભારણુ બનાવ્‍યું : નશાબંધીના શપથગ્રહણ કરતા નગરજનોઃ ટેકસટાઇલ એસો. દ્વારા તૈયાર કરાયેલા ૨૦૦ ફૂટ લાંબા તિરંગાને સાથે લઇ ચાલતા NCC કેડેટસનું ખાસ આકર્ષણ

ભવ્‍યાતિભવ્‍ય તિરંગા યાત્રા :.. રાજકોટમાં ૭પમા સ્‍વાતંત્ર્ય દિનની - અમૃત મહોત્‍સવની ઉજવણી સંદર્ભે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં રેસકોર્સ બહુમાળી ચોકથી ભવ્‍ય તિરંગા યાત્રા શરૂ થઇ હતી, તે પહેલા ૧ કલાકનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયેલ, તસ્‍વીરમાં સ્‍ટેજ ઉપર સીએમ શ્રી ભુપેન્‍દ્રભાઇ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, નજરે પડે છે, આ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર. પાટીલ આવી પહોંચતા તેમનું શાનદાર સ્‍વાગત કરાયું તે જણાય છે, સ્‍ટેજ ઉપર પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણી, ડો. વલ્લભભાઇ કથિરીયા, ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, વિગેરે જણાય છે, બીજી તસ્‍વીરમાં પોલીસ બાઇક સ્‍વારો ભારત માતાના ફલોટ સાથે તિરંગા યાત્રામાં જોડાયા તે જણાય છે, ૧ લાખથી વધુ લોકો ઉમટી પડયા હોય ઠેરઠેર દેશભકિતનો માહોલ જોવા મળ્‍યો હતો. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

 

રાજકોટ તા. ૧૨ : ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીમાં આઝાદીના ૭૫માં વર્ષના અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે રાજકોટમાં વિરાટ ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ઠેરઠેર ત્રિરંગાના શણગાર તેમજ વેશભૂષા સાથે જોડાયેલા બાળકો અને દેશભકિતના ગીતોની રમઝટ વચ્‍ચે નીકળેલી આ યાત્રાએ દેશપ્રેમ પ્રત્‍યે જુસ્‍સો વધાર્યો હતો. લોકો નાત - જાત - ધર્મ - જ્ઞાતિ ભુલી આ યાત્રામાં જોડાયા હતા. એ મેરે વતન કે લોગો... મેરે દેશ કી ધરતી... વંદે માતરમ્‌... સંદેશે આતે હૈ સહિતના ગીતો લાઇવ ગવાયા હતા. ૨ કિમી લાંબી યાત્રામાં શાળા - કોલેજોના વિદ્યાર્થીઓએ આકર્ષણ જમાવ્‍યું હતું. બહુમાળી ભવન ખાતે ધીમાધીમા વરસાદમાં શરૂ થયેલી યાત્રા રાષ્‍ટ્રીય શાળા ખાતે સંપન્‍ન થઇ હતી. જેમાં હજારો માણસો ઉમટી પડયા હતા.

સવારે ૮ વાગ્‍યાથી એક કલાકના કાર્યક્રમ બાદ ૯ વાગ્‍યા પછી તિરંગા યાત્રા શરૂ થઇ હતી. મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તમામ ધારાસભ્‍યો - મંત્રીઓ - સાંસદો હાથમાં ભવ્‍ય તિરંગા સાથે ર કી. મી. લાંબી યાત્રામાં દેશભકિતના સૂરો તથા ડીજે- શહીદોને નમન સાથે જોડાયા હતા. અને તેમાં ૧ લાખ એ વધાવી લીધેલ.

મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે રાજકોટ ખાતે યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા દેશભક્‍તિસભર અનુરોધ કર્યો હતો. 

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આઝાદીના ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે દેશભરમાં યોજાઇ રહેલા ‘હર ઘર તિરંગા' અભિયાન હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી સવારે ૯ કલાકે ફલેગ ઓફ દ્વારા પ્રસ્‍થાન કરાવી હતી. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇએ બહુમાળી ભવન સ્‍થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્‍થિત દેશપ્રેમી શહેરીજનોને સંબોધતાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, અમૃતકાળમાં પ્રવેશી રહેલા દેશવાસીઓ માટે તિરંગા યાત્રા દેશભક્‍તિનો અમૂલ્‍ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્‍યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થવા તેમણે ઉપસ્‍થિતોને પ્રેરક આહવાન કર્યું હતું.

કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે, એમ સગૌરવ જણાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ તિરંગા યાત્રામાં સામેલ થનાર તમામ નાગરિકોને આવકાર્યા હતા. ગૃહરાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્‍યા હતા.

મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ મંચસ્‍થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્‍ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. મુખ્‍યમંત્રીશ્રીનું રાષ્ટ્રીય ધ્‍વજની પ્રતિકૃતિ તથા ઔષધિય છોડથી સ્‍વાગત કરાયું હતું. મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.

જિલ્લા કલેક્‍ટર અરૂણ મહેશ બાબુએ સ્‍વાગત પ્રવચનમાં ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ'ની પૂર્વભૂમિકા સમજાવી હતી અને નગરજનોને આ યાત્રામાં સામેલ થવા બદલ આવકાર્યા હતા. જયારે મેયર શ્રી પ્રદીપ ડવએ યાત્રાને રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્‍સવ પ્રસંગે યોજાયેલી તિરંગા યાત્રામાં  સહભાગી થયેલ તમામ શહેરીજનોનું અભિવાદન કર્યું હતું. તેમજ મંચસ્‍થ મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રી દ્વારા આરંભાયેલી આ યાત્રા મહાત્‍મા ગાંધીજીના સંભારણા જયાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ સંપન્ન થઇ હતી. રાજકોટ ટેકસટાઇલ્‍સ એસોસીએશન દ્વારા બનાવાયેલા ૨૦૦ ફુટ લાંબા રાષ્ટ્રીય ધ્‍વજને એન.સી.સી. કેડેટસના જવાનો પુરા સન્‍માન સાથે સમગ્ર યાત્ર દરમ્‍યાન સાથે લઇને ફર્યા હતા. વિવિધ પોઇન્‍ટ પર દેશભક્‍તિસભર સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્‍સ, પોલીસ બેન્‍ડ, એન.સી.સી. બ્રહ્માકુમારી તથા ગુરૂકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતા. આ ઉપરાંત રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, મારવાડી અને આત્‍મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્‍બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્‍જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્‍ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્‍યેનો આદરભાવ વ્‍યક્‍ત કર્યો હતો. પોલીસ જવાનોએ દેશના ઝંડા સાથે બાઈકમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. બહુમાળી ભવન ચોક ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યા હતા. દિવ્‍યાંગ બાળકો દ્વારા સુંદર નૃત્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું.

 આ  યાત્રામાં સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલ, શિક્ષણમંત્રીશ્રી જિતુભાઇ વાઘાણી, ગૃહ ઉદ્યોગમંત્રીશ્રી હર્ષ સંઘવી, કુટિર ઉદ્યોગ અને સહકાર રાજયમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, વાહનવ્‍યવહાર રાજયમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, રાજકોટના સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા અને શ્રી રામભાઇ મોકરીયા,, કચ્‍છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્‍યશ્રી ગોવિંદ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઇ બોદર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્‍કર પટેલ, કર્ણાટકના પૂર્વ રાજયપાલશ્રી વજુભાઈ વાળા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરિયા, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશભાઇ મિરાણી, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી. પી. વૈષ્‍ણવ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડાયરેકટરશ્રી બરનવાલ, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમંત વ્‍યાસ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, નિવાસી અધિક કલેકટરશ્રી કે. બી. ઠક્કર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી એ. કે. સિન્‍હા, પ્રાંત અધિકારીઓ તથા વિશાળ સંખ્‍યામાં રાજકોટવાસીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(3:36 pm IST)