Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પ્રેમલગ્ન કરનાર યુગલનું અપહરણ યુવતિના પિતા પોરબંદરના ધનગર ગોસ્વામીએ કરાવ્યું'તું

બજરંગવાડીના ધવલ વાળંદે પોરબંદરની બાવાજી યુવતિ સાથે કરેલા લવમેરેજ યુવતિના પિતાને પસંદ નહોતાં : ઉર્વષી અને પતિ ધવલને કારમાં આંખે પાટા બાંધી બેસાડી દેવાયા'તાઃ નાણાવટી ચોકમાંથી બંનેને ઉઠાવ્યા ત્યારે યુવતિના પિતા અને એક વિકલાંગ શખ્સ બાઇક પર હતાં: પાંચ શખ્સોની પુછપરછ : કારમાં બેઠેલા શખ્સોએ ઉર્વષીને કહેલું કે તારા બાપાએ પાંચ લાખની સોપારી આપી છે : આણંદપર પાસે એક કાર રોડ નીચે ઉતરી જતાં બીજી ગાડીમાં બંનેને બેસાડાયા'તા : જસમતગરે પોતે ભરવાડ છે તેમ કહી અપહરણમાં ભરવાડ શખ્સોનો સાથે લીધો

રાજકોટ તા.૧૨: બજરંગવાડી-૮માં રહેતાં ધવલ જયેશભાઇ વાઘેલા (ઉ.૨૩) નામના વાળંદ યુવાન અને તેની પત્નિ ઉર્વષીનું ગત સાંજે ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ સામેથી ઇકો કારમાં અપહરણ થઇ જતાં પરિવારજનો અને પોલીસમાં દોડધામ થઇ પડી હતી. રાત્રે આ બંનેને માધાપર ચોકડી પાસે મુકત કરી દેવાયા હતાં. તપાસમાં ધવલની પત્નિ ઉર્વષીના પોરબંદરથી આવેલા પિતા ધનગર જસમતગર ગોસ્વામીએ જ આ અપહરણ કરાવ્યાનું ખુલતાં પોલીસે તેના સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધી પાંચ જેટલાને સકંજામાં લીધા છે. ધવલ અને ઉર્વષીએ લવમેરેજ કર્યા હોઇ તે ઉર્વષીના પિતાને પસંદ ન હોઇ જેથી કાવત્રુ ઘડ્યું હતું.

યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં ધવલના પિતા જયેશભાઇ કરસનભાઇ વાઘેલા (વાળંદ) (ઉ.૫૬)ની ફરિયાદ પરથી પુત્રના સસરા ધનગર જસમતગર ગોસ્વામી (રહે. પોરબંદર, પોલીટેકનીક પાછળ), તેની સાથેના સાવરકુંડલાના લાખાભાઇ મેવાડા, એકટીવામાં આવેલા બે શખ્સો, ઇકો કાર નં. ૪૫૬૨માં આવેલા ચાર શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૩૬૫ મુજબ ગુનો નોંધ્યો છે.

જયેશભાઇએ જણાવ્યું હતું કે મારા સાળા પોરબંદર રહે છે. દિકરો ધવલ ત્યાં આવતો-જતો હોઇ જેથી તેને પોરબંદરની ઉર્વષી ધનગર ગોસ્વામી સાથે ઓળખ થઇ હોઇ બંને વચ્ચે પ્રેમ થઇ જતાં ૧૮-૨-૧૭ના રોજ આ બંનેએ લવમેરેજ કર્યા છે. ધવલ મારી સાથે ડેરીમાં હોમ ક્રેડીટમાં નોકરી કરે છે. ગુરૂવારે ધવલ તેના મિત્ર ગજેન્દ્રસિંહ ભટ્ટીના પિતા જે સ્ટર્લિંગમાં દાખલ હોઇ તેની ખબર કાઢવા પત્નિ ઉર્વષીને લઇને ગયો હતો. આ વખતે ઉર્વષીએ પોતાને પિતા ધનગરભાઇ અને લાખાકાકા મેવાડા મળવા આવી રહ્યાની વાત કરતાં મેં બંનેને ધ્યાન રાખવા અને જલ્દી પાછા આવી જવા કહ્યું હતું.

લવમેરેજને કારણે વેવાઇ ધનગરભાઇ સાથે મનદુઃખ હોઇ એ કંઇક કરશે તેવી બીક લાગતાં મેં થોડીવાર બાદ દિકરા ધવલને ફોન કર્યો હતો. પણ ફોન બંધ આવ્યો હત. ઉર્વષીનો ફોન પણ બંધ આવતાં મેં ધવલના મિત્ર અક્ષ્યાને ફોન કરેલ. તેણે કહેલ કે હું સ્ટર્લિંગ હોસ્પિટલે હતો ત્યારે ધવલ અને ઉર્વષીને કોઇ ઇકો ગાડીમાં લઇ ગયાની ખબર પડી છે.

બાદમાં હું, મારા પત્નિ સહિતના સ્ટર્લિંગ હોસ્પિટલે ગયેલ. જ્યાં ધવલના મિત્ર ગજેન્દ્રસિંહને મળતાં તેણે વાત કરેલ કે અમે સ્ટર્લિંગ બહાર ઉભા હતાં ત્યારે એક બાઇક, એક એકટીવા અને ઇકો ગાડી આવી હતી. બાઇકમાં એક ભાઇ હતાં, તેની પાછળ લંગડાતુ ચાલતા ભાઇ બેઠા હતાં. એકટીવામાં હાથમાં કડા પહેરેલા શખ્સો હતાં. ઇકો ગાડીના નંબર ૪૫૬૨ હતાં. જેમાંથી ઉતરેલા ચાર શખ્સો ધવલ પાસે આવેલા અને બાઇકવાળાને પુછેલ કે આ જ છે ને? તેમ કહી ધવલ અને ઉર્વશીને પકડીને ગાડીમાં નાંખી લઇ ગયા હતાં. આ વખતે ઉર્વષી બાઇકવાળા ભાઇ સામે જોઇ પપ્પા-પપ્પા એવી બૂમો પાડતી હતી.

ગજેન્દ્રસિંહની આ વાતથી મને ખબર પડી હતી કે વેવાઇએ જ અપહરણ કરાવ્યું છે. આથી અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. પોલીસે તેની રીતે દોડધામ શરૂ કરી હતી. અંતે રાત્રે નવ વાગ્યે મારા દિકરા અને પુત્રવધૂને માધાપર ચોકડી પાસે છોડી મુકાયા હતાં. પોલીસે ઇકો કાર સાથે પાંચેક શખ્સોને સકંજામાં લીધા છે.

મુકત થયેલા ધવલ અને ઉર્વષીએ કહ્યું હતું કે અમને કારમાં બેસાડી લઇ જવાયા બાદ પડધરીથી આગળ કાર પહોંચી ત્યારે મારી પત્નિ દેકારો કરતી હોઇ ડ્રાઇવર તેની આંખ પર પાણીની છાલક મારવા જતાં બેલેન્સ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી ગઇ હતી. બાદમાં બીજી કાર બોલાવી અમને તેમાં નાંખી દેવાયા હતાં અને આંખે પાટા બાંધી દેવાયા હતાં. પોલીસ સતત પીછો કરતી હોઇ આ લોકોએ ગભરાઇને છેલ્લે અમને છોડી મુકયા હતાં. ધવલે એમ પણ કહ્યું હતું કે મારા સસરા ધનગરભાઇ પોરબંદર બીએસએનએલમાં નોકરી કરે છે. તે બાવાજી હોવા છતાં ભરવાડ હોવાનું કહી બીજા ભરવાડ શખ્સોને અમારું અપહરણ કરવા સાથે લાવ્યા હતાં. ઉર્વષીએ કહ્યું હતું કે કારમાં બેઠેલા શખ્સોને અમે શું કામ ઉપાડી જાવ છો? તેમ પુછતાં એક શખ્સે કહેલ કે તારા બાપાએ પાંચ લાખની સોપારી આપી છે.

પી.આઇ. જી. બી. બાંભણીયા, પીએસઆઇ કડછા, હરેશભાઇ, ગિરીરાજસિંહ, અમીનભાઇ, રવિરાજસિંહ, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહએ વધુ તપાસ હાથ ધરી છે.

(4:14 pm IST)