Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

‘સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અને અંગ્રેજી' : આકાશવાણી ઉપર ગુરૂવારે ડો. ઇરોસ વાજાનો વાર્તાલાપ

રાજકોટ તા. ૯ : ઓલ ઇન્‍ડિયા રેડિયો, આકાશવાણી રાજકોટ કેન્‍દ્ર પરથી તા. ૧૧ ઓગષ્‍ટના ગુરૂવારે સાંજના ૬ થી ૬.૩૦ દરમિયાન યુવવાણી શ્રેણી અંતર્ગત યુવા કારકિર્દી સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી બોર્ડના ચેરમેન અને ઈંગ્‍લીશ લેન્‍ગવેજ ટીચર્સ એસોશિએશન ઓફ ઇન્‍ડિયા રાજકોટ ચેપ્‍ટરના પ્રેસિડેન્‍ટ ડો. ઇરોસ વાજા (મો.૯૮૭૯૭ ૯૧૪૧૬)નો ‘સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અને અંગ્રેજી' વિષય પર વાર્તાલાપ પ્રસારિત થવાનો છે.

જેમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી, ક્‍યાં પ્રકારના પુસ્‍તકોનો અભ્‍યાસ કરવો, પ્રશ્ન પેપરનું માળખું, અંગ્રેજીના પેપરમાં કઈ રીતે વધુ માર્ક્‍સ મેળવવા, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં કઈ રીતે મૂલ્‍યાંકન કરવામાં આવે છે તેમજ ફાઇનલ ઇન્‍ટરવ્‍યૂમાં કઈ રીતે રજૂઆત કરવી સહીતની તમામ માહિતી આપવામાં આવશે. યુવાધન રાજય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યું છે અથવા આઈ.એ.એસ., આઈ.પી.એસ. બનવાનું સપનું સેવી રહ્યું છે તેવા વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમમાં આપવામાં આવેલ માર્ગદર્શન ઉપયોગી સાબિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજી તેમજ પત્રકારત્‍વ જેવા વિષયોમાં પીએચ. ડી. ની ઉચ્‍ચતમ પદવીઓ ધરાવતા ડો. ઇરોસ વાજા એ કેનેડા, રશિયા, અમેરિકા, દુબઇ જેવા દેશો ના શૈક્ષણિક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્‍વ કરી ગૌરવ વધાર્યું છે. તેઓ ઇન્‍ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્‍ટડીઝ જેવી ૧૨૮ દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્‍થાના એક્‍ઝીક્‍યુટીવ કાઉન્‍સિલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.

(3:50 pm IST)