Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મવડી-કણકોટ રોડ પર સીટી બસમાં આગ ભભૂકીઃ ડ્રાઇવર-કંડકટર, મુસાફરો સમયસર ઉતરી ગયા

એન્‍જીનમાં સ્‍પાર્ક થતાં આગ લાગ્‍યાનું તારણઃ કણકોટથી ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ બસ જઇ રહી હતી

રાજકોટઃ સવારે સીટી બસ રૂટ નં. એમ-૧૦ કણકોટ લાભુભાઇ ત્રિવેદી કોલેજથી ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ જવા નીકળી ત્‍યારે મવડીના કણકોટ રોડ પર પહોંચતા એકાએક આગળના ભાગેથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતાં ડ્રાઇવરે બસ ઉભી રાખી દીધી હતી અને ડ્રાઇવર, કંડકટર તથા બે ત્રણ મુસાફરો તાબડતોબ નીચે ઉતરી ગયા હતાં. જોતજોતામાં બસમાં આગળના ભાગે મોટો ભડકો થયો હતો. નજીકમાં જ પાણીનો ટાંકો હોઇ લોકોએ પાણીની નળી લંબાવી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફાયર બ્રિગેડને જાણ થતાં જવાનોએ બંબા સાથે પહોંચી આગ બુઝાવી હતી. જીજે૦૩એટી-૯૫૭૧ નંબરની સીટી બસનો આગળનો ભાગ સંપુર્ણ બળી જતાં નુકસાન થયું હતું. તસ્‍વીરમાં બસમાં થયેલા ભડકાનું દ્રશ્‍ય અને આગ ઓલવી રહેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ જોઇ શકાય છે. 

(11:34 am IST)