Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

કપાસ એક મણ રપ૪૦ રૂા.ના વિક્રમજનક ભાવે સોદા પડયાઃ ધાણા-ચણામાં તેજી

અઠવાડીયા બાદ યાર્ડ ખુલતા ચણાની દોઢ લાખ મણની આવકઃ ચણામાં મણે ૩૦ થી ૪૦ રૂા. અને ધાણામાં ર૦૦ રૂા.નો ઉછાળો

રાજકોટ તા. ર :.. અઠવાડીયાના મીની વેકેશન બાદ રાજકોટ યાર્ડ આજે ખુલતા વિવિધ જણસીઓની પુરજોશમાં આવકો શરૂ થઇ હતી. સાથે સાથે આજે રાજકોટ યાર્ડમાં કપાસ એક મણના રપ૪૦ રૂા.ના વિક્રમજનક ભાવે સોદા પડતી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતાં. કપાસની સાથે ધાણા અને ચણામાં પણ તેજી જોવા મળી હતી.
રાજકોટ યાર્ડના સેક્રેટરી બી. આર. તેજાણીના જણાવ્‍યા મુજબ વાર્ષિક હિસાબો માટે અઠવાડીયા સુધી બંધ રહેલ માર્કેટ યાર્ડ આજે ખુલતા જ વિવિધ જણસીઓની આવકો  શરૂ થઇ હતી. ખાસ કરીને ચણાની દોઢ લાખ મણની આવક થઇ હતી. અને ચણાના ભાવમાં ૩૦ થી ૪૦ રૂા.નો ઉછાળો જોવા મળ્‍યો હતો. ચણા એક મણના ભાવ અગાઉ ૮૮૦ થી ૯૧૦ રૂા. હતા તે વધીને ૯૩૦ થી ૯૪૦ રૂા.ના ભાવે સોદા પડયા હતાં.
બીજી બાજુ કપાસમાં રોકેટ ગતિએ તેજીનો દોર યથાવત રહ્યો હતો. આજે કપાસ બીટી રપ૦૦ કિવીન્‍ટલની આવક હતી કપાસ એક મણના ભાવ ૧૭૭૬ થી રપ૪૦ રૂા.ના ભાવે  સોદા પડયા હતાં. અગાઉ ર૪૦૦ ના ભાવે કપાસના સોદા પડયા હતાં. આજે ૧૪૦ રૂા.ના ઉછાળા સાથે કપાસ એક મણનો રપ૪૦ રૂા. ના વિક્રમજનક ભાવે સોદા પડતા ખેડૂતો રાજીરાજી થઇ ગયા હતાં. કપાસમાં સારા માલની અછત હોય તેજીનો દોર જારી રહેશે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.
કપાસની સાથે ધાણામાં પણ તેજી જોવા મળી હતી. ધાણા એક મણના ભાવ અગાઉ ૧૯પ૦ થી ૧૯૭૦ રૂા. હતા તે વધીને આજે ર૧૦૦ થી રર૭૦ રૂા.ના ભાવે સોદા પડયા હતાં. ધાણાની ૭ર૦૦ કવીન્‍ટલની આવક હતી. ધાણામાં પણ સારા માલની અછત હોય તેજી હોવાનું યાર્ડના વેપારી અતુલભાઇ કમાણીએ જણાવ્‍યું હતું.
યાર્ડમાં અન્‍ય જણસીઓની આવક રાબેતા મુજબ અને ભાવો પણ યથાવત હોવાનું વેપારી સુત્રોએ ઉમેર્યુ હતું.

 

(3:21 pm IST)