Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ

નિજ મંદિરે રંગોળીનો શણગાર, ગરબા, સત્‍યનારાયણ કથા, અન્‍નકૂટ સહિતના કાર્યક્રમો

રાજકોટઃ ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્‍તિમય માહોલની વચ્‍ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. મા ખોડલની ભક્‍તિમાં ભાવિકો લીન થઈ ગયા છે. ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ ભવ્‍ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના સ્‍વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબા, મંત્રોચ્‍ચાર, રંગોળી, હવન, સત્‍યનારાયણ ભગવાનની કથા, અન્‍નકૂટ સહિતના સાંસ્‍કળતિક અને ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવી રહ્યા છે.
આજે પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ અને ચાંદલીની મહિલાઓ દ્વારા ગરબા અને મંત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ તાલુકા મહિલા સમિતિ- ગોંડલની મહિલાઓ દ્વારા મંદિર પરિસરમાં મંદિર અને મુખ્‍ય પ્રવેશદ્વારની વચ્‍ચે વિશાળ આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. દર્શનાર્થે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહયો છે. તેમ યાદીમાં જણાવાયું છે.

 

(3:18 pm IST)