Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ ડૉ. આશિષરાવ આર દેશમુખે રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશના નેતા ઈમરાન પ્રતાપગઢીની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો: કોંગ્રેસના કાર્યકરો સાથે અન્યાય ગણાવ્યો

મુંબઈ : મહારાષ્ટ્ર  કોંગ્રેસના કાટોલના ભૂતપૂર્વ ધારાસભ્ય ડૉ. આશિષરાવ આર દેશમુખે  મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું છે.રાજ્યસભા માટે ઈમરાન પ્રતાપગઢીને ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્માંથી ઉમેદવારી કરાવવાના  કારણે તેમણે રાજીનામું આપ્યું છે. આની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હું કોંગ્રેસ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. તેમણે મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉત્તર પ્રદેશના નેતા ઈમરાન પ્રતાપગઢીની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે આને કોંગ્રેસના કાર્યકરો સાથે અન્યાય ગણાવ્યો હતો. આશિષ દેશમુખે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ પત્ર તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર પણ કર્યો છે.

આશિષ રાવ દેશમુખે લખ્યું છે કે,  બહારના ઉમેદવારને રાજ્યમાં લાવવાથી વિકાસની દ્રષ્ટિએ પક્ષને ફાયદો નહીં થાય. આ પગલું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સામાન્ય કાર્યકરો સાથે અન્યાય છે. કોંગ્રેસે પાર્ટીના લઘુમતી વિભાગના અધ્યક્ષ અને કવિ 34 વર્ષીય ઈમરાન પ્રતાપગઢીને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. પ્રતાપગઢીએ 2019માં કોંગ્રેસની ટિકિટ પર મુરાદાબાદથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. જેના પગલે આશિષ દેશમુખે દલીલ કરી હતી કે સ્થાનિક નેતાને મેદાનમાં ઉતારવાથી પક્ષ મજબૂત થયો હોત. પરંતુ નેતૃત્વએ તેના બદલે બીજા રાજ્યમાંથી રાજકીય લોકોને લાવવાનું નક્કી કર્યું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રવિવારે રાજ્યસભા ચૂંટણી માટે તેના 10 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મુખ્ય નામોમાં અજય માકન, રણદીપ સિંહ સુરજેવાલા, પી ચિદમ્બરમનો સમાવેશ થાય છે. કોંગ્રેસની આ યાદીમાં છત્તીસગઢથી રાજીવ શુક્લા, રંજીત રંજન (પપ્પુ યાદવની પત્ની), હરિયાણાથી અજય માકન, કર્ણાટકથી જયરામ રમેશ, મધ્યપ્રદેશથી વિવેક તંખા, મહારાષ્ટ્રમાંથી ઈમરાન પ્રતાપગઢીના નામ સામેલ છે. બીજી તરફ રાજસ્થાનમાંથી રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને તમિલનાડુમાંથી પી ચિદમ્બરમને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

(12:32 am IST)