Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

કેન્દ્ર સરકારે બે વીમા યોજનાનું પ્રીમિયમ વધાર્યું : હવે વધારે રૂપિયા ચૂકવવા પડશે

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માટે પ્રીમિયમમાં વધારો કરાયો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માટે પ્રીમિયમમાં વધારો કર્યો છે. નોંધનીય છે કે આ બંને વીમા યોજનાઓ કેન્દ્ર સરકારની મુખ્ય વીમા યોજનાઓમાં સામેલ છે.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો પ્રીમિયમ દર વધારીને રૂ. 1.25 પ્રતિ દિવસ કર્યો છે, જે વાર્ષિક રૂ. 330 થી વધીને રૂ. 436 થયો છે. કેન્દ્ર સરકારે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. નિવેદન અનુસાર, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નવા પ્રીમિયમ દરો 1 જૂન, 2022થી લાગુ થશે. નિવેદન અનુસાર, PMJJBY માટે પ્રીમિયમમાં વધારો 32 ટકા અને PMSBY માટે 67 ટકા છે.

નોંધનીય છે કે 31 માર્ચ, 2022 સુધીમાં, PMJJBY અને PMSBY હેઠળ અનુક્રમે 6.4 કરોડ અને 22 કરોડ વીમાદાતાઓએ નોંધણી કરાવી છે. આ બંને યોજનાઓ હેઠળના દાવાઓ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માર્ગ દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ યોજનાઓની રજૂઆત પછી છેલ્લા સાત વર્ષમાં પ્રીમિયમ દરોમાં કોઈ સુધારો થયો નથી.
નિવેદનમાં જણાવાયું છે કે સુધારેલા દરો અન્ય ખાનગી વીમા કંપનીઓને પણ યોજનાઓ અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કરશે. તેનાથી વીમા યોજનાઓના લાભાર્થીઓની સંખ્યામાં વધારો થશે.

PMJJBY અને PMSBY હેઠળ સક્રિય સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા છેલ્લા નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે 31 માર્ચ 2022 સુધી અનુક્રમે 6.4 કરોડ અને 22 કરોડ હતી. 31 માર્ચ, 2022 સુધી PMSBYની શરૂઆતથી અત્યાર સુધીમાં પ્રીમિયમ તરીકે રૂ. 1,134 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે અને રૂ. 2,513 કરોડના દાવા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત, PMJJBY હેઠળ પ્રીમિયમ તરીકે 9,737 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી હતી અને 14,144 કરોડ રૂપિયાના દાવા ચૂકવવામાં આવ્યા હતા.

(11:48 pm IST)