Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

૧૬ સાંસદો સાથે નીતિશ કઈ રીતે વડાપ્રધાનનું સપનું જુએ છેઃ સિંહ

રાજ્યસભાની ટિકિટ કપાતા જેડીયુના નેતાનો આક્રોશ : જનતા દળે આરસીપી સિંહને રાજ્યસભામાં બીજી ટર્મનો ઈનકાર કરીને રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું

પટના, તા.૩૧ : જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)એ રાજ્યસભામાં પોતાના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહની ટિકિટ કાપી નાખી છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને ૨ વાર ઉપલા ગૃહમાં મોકલવા બદલ તેમનો આભાર માનીને આડકતરી રીતે ટોણો પણ માર્યો હતો. આરસીપીએ કહ્યું હતું કે, નીતીશ કુમાર પાસે પીએમ પદના ઉમેદવાર તરીકે સંખ્યા બળ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, 'તમે ૧૬ સાંસદો સાથે કેવી (પીએમ ઉમેદવાર તરીકે નીતિશ કુમાર) રીતે જોઈ શકો છો' તમારે આ સપનું પૂરૃં કરવા માટે ઓછામાં ઓછા ૨૭૩ સાંસદોની જરૃર છે.

કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહે કહ્યું હતું કે, હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. તેમણ કહ્યું હતું કે, 'હું ટૂંક સમયમાં પીએમ મોદીને મળીશ. રાજ્યસભાના સભ્ય તરીકેનો મારો કાર્યકાળ ૬ જુલાઈએ પૂરો થશે. પાર્ટીએ મને જુલાઈ સુધી આ જવાબદારી આપી છે પરંતુ વડાપ્રધાન મોદી નક્કી કરશે કે હું મંત્રી તરીકે રહીશ કે નહીં. આરસીપીના આ સ્ટેન્ડથી કદાચ નીતીશ કુમારનો તેમના પ્રત્યેનો ગુસ્સો વધારશે.જનતા દળ (યુનાઈટેડ)એ પોતાના વરિષ્ઠ પાર્ટીના નેતા આરસીપી સિંહને રાજ્યસભામાં બીજી ટર્મનો ઈનકાર કરીને તેના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આનો અર્થ એ થયો કે, કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહને પોતાનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે. ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ૧૦ જૂને ચૂંટણી યોજાશે. જેમાં ઉત્તર પ્રદેશમાં મહત્તમ ૧૧ બેઠકો માટે મતદાન થશે. જે રાજ્યોમાં આ ચૂંટણીઓ યોજાશે તેમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

(8:16 pm IST)