Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળતા સમીર વાનખેડેની NCBમાંથી વિદાઈ: DGTSમાં ચેન્નઈ મોકલ્યા

આર્યન ખાન કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની બદલી

મુંબઈ :શાહરૂખના દીકરા આર્યન ખાનથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની NCB માંથી વિદાઈ થઈ છે. એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજી ટેક્સપેયર સર્વિસ ડાયરેક્ટરેટ મોકલી દેવાયા છે.

IRS અધિકારી સમીર વાનખેડે એનસીબી મુંબઈના જોનલ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. તેઓ ડાયરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સમાં તૈનાત છે. સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજીટીએસ મોકલી દેવાયા છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા વિવાદ બાદ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, એનસીબીએ આર્યન ખાનથી જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગત અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરી હતી. એનસીબી તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે 3 અન્ય આરોપીઓના નામ નહોતા. પૂરાવાના અભાવમાં એનસીબી તરફથી તેના વિરૂદ્ધ કોઈ આરોપ લગાવવામાં આવ્યો ન હતો.

ત્યારબાદ સમીર વાનખેડેની ટીકા થઇ રહી હતી. સમીર વાનખેડેએ જ આ મામલે તપાસ કરી હતી. સમીર વાનખેડે પર ચોતરફી હુમલા થઇ રહ્યા છે. આ હાઈપ્રોફાઇલ કેસની તપાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. એનસીબીના ડીજીએ આ મામલે નિવેદન આપવું પડ્યું હતું.

એનસીબીના ડીજીએ કહ્યું હતું કે, તપાસમાં ચૂક અને પ્રક્રિયા પાલન ન કરનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે એનસીબીના જોનલ ડાયરેક્ટર રહેલા અને કેસની તપાસ કરનારા સમીર વાનખેડેની એનસીબીમાંથી વિદાઈ થઇ ગઈ છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન કેસની તપાસમાં ચૂક અને પ્રકિયા પાલન કરવાને લઇને એક્શન તરીકે જોવામાં આવી રહી છે.

(1:02 am IST)