Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

પાકિસ્તાન તો છોડી દીધુ,હવે ભારતનું નાગરિકત્વ કયારે ?

કેટલાય વર્ષો પહેલા રાજકોટ આવી વસેલા સેંકડો હિન્દુ શરણાર્થીઓએ પોતાનો પ્રશ્ન અવાર-નવાર ઉઠાવ્યો...પણ 'પરિણામ' શૂન્ય જ : નથી મતદાન ઓળખપત્ર, નથી ડ્રાઇવિંગ લાયસન્સ, નથી આધાર કાર્ડ કે નથી પાનકાર્ડ...નથી રાખતુ કોઇ નોકરીએ કે ન વેપાર કરી શકતા હોવાનો વસવસો

રાજકોટ,તા.૨૯: પાકિસ્તાન છોડયાને કેટલાય વર્ષો વિતી જવા છતા પણ સેંકડો હિન્દુ શરણાર્થીઓને ભારતના નાગરિકત્વ બાબતે અવાર-નવાર માત્રને માત્ર આશ્વાસનો સિવાય કશું મળ્યુ ન હોવાથી સબંધિત તંત્રની ઢીલીનિતી સામે નારાજગી પ્રસરી છે...સૌએ એક જ સૂરે કહેવા લાગ્યા છેકે, પાકિસ્તાન તો છોડી દીધુ, હવે ભારતનું નાગરિકત્વ મળશે કયારે??

આ અંગે જાણવા મળ્યાનુસાર પાકિસ્તાન  ખાતેથી કેટલાય વર્ષો પહેલા ભારત આવીને રાજકોટમાં વસેલા અસંખ્ય હિન્દુ શરણાર્થી પરિવારોને નાગરિકત્વના અભાવે મતદાન ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ કે પાનકાર્ડ મેળવવામાંથી વંચિત રહેવાનો વખત આવ્યો છે...એવી જ રીતે નોકરીએ રહેવામાં કે વેપાર-ધંધો કરવામાં પણ યેનકેન પ્રકારે પરેશાનીનો સામનો કરવો પડતો હોવાનો સૂર ઉઠયો છે.

દરમિયાન કેટલાક જાગૃત હિન્દુ શરણાર્થીઓ તો એમ પણ કહી રહયા છે કે, અમદાવાદની સાથે સાથે અન્ય શહેરોમાં તો પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ મળી ચુકયુ છે, પરંતુ રાજકોટમાં હજુ સુધી કેમ ન્યાય મળ્યો નથી તે સમજાતુ નથી.

એવી જ રીતે વર્ષ ૨૦૦૯માં પાકિસ્તાન છોડી પરિવાર સાથે રાજકોટ આવી વસેલા જીવરાજ મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે, કલેેકટર ઓફિસમાં પાકિસ્તાનના પાસપોર્ટ સોપ્યાને અંદાજે દસેક માસનો સમય વિતી જવા છતા પણ હજુ સુધી યોગ્ય નિવેડો આવ્યો નથી.

બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યુ હતુ કે, હિન્દુ શરણાર્થીઓની નાગરિકતા મામલે તંત્ર દ્વારા કામગીરી આગળ ધપી રહી છે.પરંતુ કેટલાક  પાસપોર્ટમાં વેરિફીકેશનને લઇને પણ મામલો અટકયો છે...તો કેટલાકને ટેકનિકલી બાબતમાં મોડુ થઇ રહયુ છે.

આખરે આતુરતાનો અંત...બાડમેર જિલ્લાના ૭૦ વ્યકિતઓને મળશે ભારતનું નાગરિકત્વ

રાજકોટઃ અહીયા વર્ષો પહેલા પાકિસ્તાન છોડી આવી વસેલા અસંખ્ય હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ માટે હજુ કેટલી રાહ જોવી પડશે એનું કઇ નકકી નથી, પરંતુ બાડમેર જિલ્લામાં અંદાજે ૭૦ જેટલા લોકોને ભારતનું નાગરીકત્વ મળવાની આશા જાગતા અંતે ૧૦ વર્ષ બાદ આતુરતાનો અંત આવ્યો છે.

ભારતીય નાગરીકતા પ્રાપ્ત કરવા જઈ રહેલા તમામ લોકો ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ સુધી પાકિસ્તાનથી આવ્યા પછી નાગરીકતા મેળવવાને લાયક છે. જો કે હજુ અંદાજે ૨૧૦ લોકોને રાહ જોવી પડે તેમ છે.

આ સંદર્ભે યોજાનાર વિશેષ શિબિરમાં તમામ હિન્દુ શરણાર્થીઓના દસ્તાવેજોની તપાસ બાદ જિલ્લા કલેકટરના રીપોર્ટ આધારે ગૃહ મંત્રાલય દ્વારા ભારતીય નાગરીકતા આપવા અંગેની કાર્યવાહી આગળ ધપાવાશે. જિલ્લામાં ભારતીય નાગરીકતા મેળવવા માટે કેટલાય પરિવારો છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. તેવામાં સંઘર્ષ સમિતિ દ્વારા અગાઉ જોધપુરમાં માંગણી થઈ હતી કે, બાડમેર જિલ્લા મુખ્યાલય ખાતે વિશેષ શિબિર યોજી શરણાર્થીઓનો પ્રશ્ન ઉકેલવા કામગીરી આગળ ધપાવવામાં આવે.

(3:22 pm IST)