Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

ફાર્રૃખાબાદમાં અતિક્રમણ દૂર કરવા ગયેલા જેસીબીમાં આગ

ફરી યોગીની સરકાર આવતા અતિક્રમણ પર સપાટો : બુલડોઝરમાં અચાનક આગ લાગતા હાજર લોકોએ અને કર્મચારીઓએ માટી-પાણી નાખીને આગને કાબુમાં લીધી

ફાર્રૃખાબાદ, તા.૨૧ : ઉત્તર પ્રદેશના ફાર્રૃખાબાદ ખાતે ગુરૃવારે બપોરે અતિક્રમણ દૂર કરવાની કામગીરી દરમિયાન જેસીબી મશીન (બુલડોઝર)માં આગ લાગવાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર કર્મચારીઓએ ભાગીને પોતાનો જીવ બચાવવો પડ્યો હતો.

હકીકતમાં શહેરમાં સતત અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના પક્કપુલ વિસ્તારમાં અતિક્રમણ હટાવવામાં આવી રહ્યું હતું ત્યારે બુલડોઝરમાં અચાનક જ આગ લાગી ગઈ હતી.

આ કારણે નગરપાલિકાના કર્મચારીઓ અને ત્યાં ઉપસ્થિત આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને બુલડોઝર ચાલક સમયસર બુલડોઝરમાંથી કૂદીને બહાર આવી ગયો હતો. ત્યારબાદ આ ઘટના સ્થળે હાજર લોકોએ અને કર્મચારીઓએ માટી અને પાણી નાખીને આગને કાબુમાં લીધી હતી. અકસ્માત બાદ આજે અતિક્રમણ ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી છે.

હાલમાં આ મામલે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના સ્ટાફને જાણ કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને બુલડોઝરમાં આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં યોગી ૨.૦ સરકાર આવ્યા બાદથી ગેરકાયદેસર કબજો હટાવવાનું અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. જિલ્લાઓમાં આ અતિક્રમણ દૂર કરવા બુલડોઝરની મદદ લેવામાં આવી રહી છે.

 

(8:09 pm IST)