Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

કોંગ્રેસ પોતાના પગ પર કેવી રીતે ઊભી થશે? પ્રશાંત કિશોરની યોજનાની સંપૂર્ણ બ્‍લુ પ્રિન્‍ટ સામે આવી

પ્રથમ લોકસભા, હવે વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ પાર્ટી એક્‍શનમાં આવી : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને લઈને રણનીતિકાર પ્રશાંત કિશોર દ્વારા પ્રેઝન્‍ટેશન પણ આપવામાં આવ્‍યું છેઃ કોંગ્રેસને ફરીથી ઉભી કરવા માટે પ્રશાંત કિશોર દ્વારા અનેક સૂચનો પણ આપવામાં આવ્‍યા છેઃ જેમાં તેમણે કોંગ્રેસની નેતાગીરી અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૨૧: ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે. આ તમામ પડકારોનો સામનો કરવા માટે કોંગ્રેસે રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે હાથ મિલાવ્‍યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ સાથે બેઠક કરી છે. હાલમાં જ પ્રશાંત કિશોરે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવી રીતે સુધારી શકાય તે અંગે પ્રેઝન્‍ટેશન પણ આપ્‍યું છે. પ્રશાંત કિશોરની આ સમગ્ર યોજનાની બ્‍લુ પ્રિન્‍ટ સામે આવી છે

પ્રારંભે જ મહાત્‍મા ગાંધીનું કથન છે કે ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મરવાની મંજૂરી આપી શકાતી નથી, તે ફક્‍ત રાષ્ટ્ર સાથે જ મરી શકે છે'. એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ક્‍યારેય મરવા ન દેવાય, તે રાષ્ટ્ર સાથે જ મરી શકે છે.

પીકે એટલે કે પ્રશાંત કિશોરે તેમની રજૂઆતમાં ભારતની વસ્‍તી, મતદારો, વિધાનસભા બેઠકો, લોકસભા બેઠકોના આંકડા રજૂ કર્યા છે. એટલું જ નહીં, તેણે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને નાના વેપારીઓની સંખ્‍યાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે ૨૦૨૪ માં ૧૩ કરોડ પ્રથમ વખત મતદારો પર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે.

પ્રશાંત કિશોરે તેમના પ્રેઝન્‍ટેશનમાં જણાવ્‍યું હતું કે હાલમાં કોંગ્રેસ પાસે રાજયસભા અને લોકસભામાં ૯૦ સાંસદો છે. વિધાનસભાઓમાં ૮૦૦ ધારાસભ્‍યો છે. એટલું જ નહીં ત્રણ રાજયોમાં કોંગ્રેસની સરકાર છે. ૩જીમાં કોંગ્રેસ સાથી પક્ષો સાથે સરકારમાં છે. તે જ સમયે, કોંગ્રેસ ૧૩ રાજયોમાં મુખ્‍ય વિરોધ પક્ષ છે. એટલું જ નહીં, ૩ રાજયોમાં સાથી પક્ષોની સાથે કોંગ્રેસ મુખ્‍ય વિપક્ષ છે.

પીકેએ તેમના પ્રેઝન્‍ટેશનમાં જણાવ્‍યું કે ૧૯૮૪ પછી કોંગ્રેસનો વોટ કેવી રીતે સતત ઘટી રહ્યો છે.

પીકેએ કહ્યું કે કોંગ્રેસને મજબૂત કરવા માટે ૫ વ્‍યૂહાત્‍મક પગલાં ભરવા પડશે.

૧. નેતૃત્‍વનો મુદ્દો ઉકેલવો પડશે

૨. ગઠબંધન સંબંધિત મુદ્દાનો ઉકેલ લાવવો પડશે

૩. પાર્ટીના જૂના સિદ્ધાંતો પર પાછા ફરવું પડશે

૪. પાયાના સ્‍તરે કાર્યકરો અને નેતાઓની ફોજ બનાવવી પડશે.

૫. કોંગ્રેસની કોમ્‍યુનિકેશન સિસ્‍ટમ બદલવાની જરૂર છે.

(10:29 am IST)