Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ચાઇનીઝ દોરાથી યુવતીએ ગુમાવ્યો જીવઃ તંત્રએ વેચનારના ઘર પર બુલડોઝર ફેરવ્યું

ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ૩ આરોપીઓને પકડ્યાઃ ત્રણેયના મકાનોના ગેરકાયદે બાંધકામો પણ તોડી પડાયા

ઉજ્જૈન, તા.૧૮:ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગેરકાયદેસર હોવા છતાં પણ લોકો ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાનું છોડતા નથી. ત્યારે મધ્યપ્રદેશમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ૩ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આટલુ જ નહી આ આરોપીઓના ગેરકાયદેસર મકાન પર પણ બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.  મહત્વનુ છે કે ઉજ્જૈનમાં ચાઇનીઝ દોરીને કારણે એક છોકરીનું ગળુ કપાયુ હોવાની ઘટના બની હતી તે બાદ ચાઇનીઝ દોરા વેચતા આ ત્રણેય આરોપીઓ સામે કેસ નોઁધાયો હતો. કમનસીબે યુવતીનું ગળુ કપાવાથી મોત થતા શિવરાજસિંહ ચૌહાણે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

ઉજ્જૈનના માધવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી. ૨૦ વર્ષીય યુવતી ઝીરો પોઇન્ટ બ્રિજ પરથી સ્કૂટી પર પસાર થઇ રહી હતી તે સમયે તેનુ ગળુ કપાવાની ઘટના બની હતી. આ ઘટનાને ગંભીરતાથી લઇને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેઓએ જિલ્લા પ્રશાસનને બજારમાં વેચાતા ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

મ્યુનિસિપલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (CSP) પલ્લવી શુકલાએ જણાવ્યું હતું કે પોલીસે અબ્દુલ જબ્બાર, હૃતિક જાધવ અને વિજય ભાવસાર સામે આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ ચાઈનીઝ માંઝા વેચવા બદલ કેસ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની દુકાનોમાંથી ચાઈનીઝ માંઝા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ત્રણેયના મકાનોના ગેરકાયદે બાંધકામો પણ તોડી પાડવામાં આવ્યા છે.

(3:00 pm IST)