Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

હવે મુંબઈથી નાગપુર દોડશે બુલેટ ટ્રેન : કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવેએ જાહેર કરી યોજના

મુંબઈથી નાગપુર ત્રણથી સાડા ત્રણ કલાકમાં અને મુંબઈથી ઓરંગાબાદ દોઢથી અઢી કલાકમાં પહોંચી શકાશે : મંત્રીએ કહ્યું - હું આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ

મુંબઈ :કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવેએ બુલેટ ટ્રેનને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેનની જેમ નાગપુર બુલેટ ટ્રેન મુંબઈથી શરૂ કરવાનો વિચાર છે. રેલવે રાજ્યમંત્રી તરીકે આ પ્રોજેક્ટ મારા ધ્યાનમાં છે. હું આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.

રેલવે રાજ્ય મંત્રી પદ પર આવ્યા બાદ રાવ સાહેબ દાનવે પ્રથમ વખત તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત લઈ રહ્યા છે. મહારાષ્ટ્રના ચાર નવા નિયુક્ત મંત્રીઓની જેમ તેઓ પણ જન આર્શીવાદ યાત્રા કરવા જઈ રહ્યા છે. આ સંદર્ભે, મંગળવારે ઓરંગાબાદમાં મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે મુંબઈથી વાયા ઓરંગાબાદ થઈને નાગપુર સુધીની બુલેટ ટ્રેન શરૂ કરવાનો વિચાર આગળ મૂક્યો.

રાવ સાહેબ દાનવેએ આગળ જણાવતા કહ્યું કે જો બુલેટ ટ્રેન મુંબઈથી નાગપુર શરૂ થાય તો મુંબઈથી ઓરંગાબાદ બેથી અઢી કલાકમાં પહોંચવું શક્ય બનશે. એ જ રીતે મુંબઈથી નાગપુર ત્રણથી સાડા ત્રણ કલાકમાં પહોંચવું શક્ય બનશે. આવી પરિસ્થિતિમાં આ વિસ્તારોની દશા અને દિશા બદલાશે. તેમણે કહ્યું કે આ જ કારણોસર તેઓ આ પ્રોજેક્ટ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

રેલવે રાજ્ય મંત્રી પદે આવ્યા બાદ મહારાષ્ટ્રની તેમની પાસેથી અપેક્ષાઓ વધી છે તો તેઓ તે અપેક્ષાઓ પર કેવી રીતે ખરાં ઉતરશે? આ પ્રશ્નના જવાબમાં દાનવેએ કહ્યું કે જાલના, ઓરંગાબાદ, ભોકરદન, મરાઠાવાડા અથવા મહારાષ્ટ્રના કામના આધારે મારુ મુલ્યાંકન ન કરો.

હું આખા દેશનો મંત્રી છું. હું મંત્રી બન્યો અને મારા ગામમાં રેલવે પણ નથી, આ પ્રશ્ન પૂછવાથી કામ નહીં થાય. મેં દેશ માટે શું કર્યું? આના આધાર પર મારું મૂલ્યાંકન થવું જોઈએ. દાનવેએ મંગળવારે ઓરંગાબાદમાં મીડિયા સાથે વાત કરતા આ વિચારો વ્યક્ત કર્યા.

તેમણે કહ્યું કે સાંસદ કે મંત્રીની સૂચના મુજબ રેલવેના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. વ્યવહારુ દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવામાં આવે છે. મેં મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન વિશે અભ્યાસ કર્યો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેની શક્યતાઓ અંગે ચર્ચા કરી. આ શબ્દોમાં રાવ સાહેબ દાનવેએ મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનની યોજના જાહેર કરી.

(11:51 pm IST)