Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આલેલે! મહિલા ૧૦ વર્ષમાં તેના અલગ અલગ પ્રેમીઓ સાથે ૨૫ વખત ભાગી! પતિએ દરેક વખતે અપનાવી

આસામની એક મહિલા હકીકતની જિંદગીમાં 'હેપી ભાગ જાયેલી' હિન્દી ફિલ્મની 'હેપી' છે

નવી દિલ્હી,તા.૧૩: પ્રેમ અને જંગ એટલે કે યુદ્ઘમાં બધુ જ વ્યાજબી છે એવી પ્રસિદ્ઘ કહેવત છે. લોકો પ્રેમ માટે સમાજ તરફથી બનાવવામાં આવેલી અનેક દીવાલો કૂદી જતા હોય છે. તમે ફિલ્મોમાં પણ એવા દ્રશ્યો જોયા હશે કે અભિનેત્રી તેના આશિક સાથે ભાગી જતી હોય છે. જોકે, આવું ફકત ફિલ્મોમાં જ નથી બનતું. હકીકતમાં પણ પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતીએ ભાગી જતા હોય છે. જોકે, આજકાલ આસામ ની એક એવી મહિલાની ચર્ચા છે જે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રેમી સાથે ભાગી જવું એક કોઈ મોટા ન્યૂઝ નથી પરંતુ આ મહિલા છેલ્લા ૧૦ વર્ષમાં ૨૫ વખત પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. એટલું જ નહીં, તેણી દર વખતે તેના અલગ અલગ પ્રેમી સાથે ભાગી હતી!

મહિલા ત્રણ બાળકોની માતા પણ છે. આસામની એક ૪૦ વર્ષીય મહિલા છેલ્લા ૧૦ વર્ષમાં તેના અનેક પ્રેમીઓ સાથે ભાગી ચૂકી છે. દર વખતે તેણી પોતાના અલગ અલગ પ્રેમી સાથે ભાગે છે. નવાઈની વાત તો એ છે કે દર વખતે મહિલા જયારે પરત ફરે છે ત્યારે તેના સાસરિયાના લોકો અને પતિ માફ કરી દે છે. મહિલાના લગ્નને ૧૦ વર્ષ થઈ ચૂકયા છે. હાલ તેણીને ત્રણ બાળક પણ છે.

મહિલાની સૌથી મોટી દીકરીનું ઉંમર ૬ વર્ષ, દીકરાની ઉંમર ત્રણ વર્ષ અને સૌથી નાના દીકરીની ઉંમર ત્રણ મહિના છે. મહિલાનો પતિ વ્યવસાયે ડ્રાઇવર છે. આ પરિવાર આસામના ઢિંગ લાહકર ગામ માં રહે છે. મહિલાના પતિ મફિઝુદ્દીને જણાવ્યું કે, 'વર્ષ ૨૦૧૧માં મારા લગ્ન થયા હતા. ત્યારથી અત્યારસુધી મારી પત્ની લગભગ ૨૫ વખત પોતાના આશિકો સાથે ભાગી ચૂકી છે. દર વખતે તેણી પરત આવે છે ત્યારે એવું વચન આપે છે કે ફરીથી આવું નહીં કરે. જોકે, તેણી દર વખતે પોતાનું વચન ભૂલી જાય છે.'

મફિઝુદ્દીને જણાવ્યું કે, ભાગી ગયા બાદ પરત ફરીને મહિલા અનેક વખત એવો દાવો કરે છે કે તેણી પોતાના પિયરમાં ગઈ હતી અથવા પોતાના બીમાર સંબંધીને જોવા માટે ગઈ હતી. મહિલાના પતિએ જણાવ્યું કે, 'અમારા ત્રણ બાળકો છે. બાળકોની દેખરેખ માટે હું મારી પત્નીને ફરીથી અપનાવી લઉં છું.'તાજેતરની ઘટના વિશે મફિઝુદ્દીને જણાવ્યું કે, 'ચોથી સપ્ટેમ્બરના રોજ હું જયારે કામ પરથી પરત ફર્યો ત્યારે મારા પિતાએ જણાવ્યું કે, મારી પત્ની મારા ત્રણ માસના દીકરાને પાડોશી પાસે છોડીને ભાગી ગઈ છે. તેણીએ પાડોશીને જણાવ્યું હતું કે તેણી બકરી માટે ચારો લેવા માટે જઈ રહી છે પરંતુ પરત ફરી ન હતી.' પતિએ જણાવ્યું કે, ઘરેથી ભાગતા પહેલા તેણી ૨૨ હજાર રૂપિયા પણ સાથે લઈ ગઈ હતી. પતિને એ પણ નથી ખબર કે આ વખતે તેની પત્ની કયા આશિક સાથે ભાગી છે. મફિજુદ્દીને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે એટલે ફરીથી તેણીને અપનાવી લે છે. જો તે છોડી દેશે તો તેના બાળકોની દેખરેખ કોણ રાખશે. શખ્સે જણાવ્યું કે, આ જ કારણ છે કે તેણે કયારેય પોલીસ ફરિયાદ પણ નથી કરી. મહિલાના પાડોશીઓએ જણાવ્યું કે મહિલાના ગામના યુવાનો સાથે પણ લફરાં છે, જે ઉંમરમાં તેણીથી ખૂબ નાના છે. 

(10:25 am IST)