Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

૨ હજાર જીવતા કારતુસ સાથે ૬ની ધરપકડ

દિલ્‍હીને ૧૫ મી ઓગસ્‍ટ પહેલા દેહલાવવાનું મોટું ષડયંત્ર નિષ્‍ફળ

નવી દિલ્‍હી,તા.૧૨:સ્‍વતંત્રતા દિવસ પહેલા દિલ્‍હી પોલીસે એક મોટા ષડયંત્રને નિષ્‍ફળ બનાવ્‍યું છે. પોલીસે હથિયારો અને દારૂગોળાની દાણચોરીમાં સંડોવણી બદલ છ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૨ હજાર જીવતા કારતુસ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્‍યો છે. આરોપીઓની દિલ્‍હીના આનંદ વિહારમાંથી બે બેગ કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કેસ નોંધવામાં આવ્‍યો છે અને તપાસ ચાલુ છે.૧૫ ઓગસ્‍ટને ધ્‍યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જયારે દેશમાં સ્‍વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પોલીસે પેટ્રોલિંગ અને વાહનોનું ચેકિંગ પણ સઘન બનાવ્‍યું છે. પોલીસનું કહેવું છે કે મેટ્રો સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન, એરપોર્ટ અને બજારો સહિત દિલ્‍હીના તમામ સંવેદનશીલ સ્‍થળોએ કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.અધિકારીઓએ જણાવ્‍યું કે હોટેલ, પાર્કિંગ અને રેસ્‍ટોરન્‍ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ભાડૂતો અને નોકરોની ચકાસણી કરવામાં આવી રહી છે. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્‍યવસ્‍થા) દીપેન્‍દ્ર પાઠકે જણાવ્‍યું હતું કે, સ્‍વતંત્રતા દિવસના અવસરે, લાલ કિલ્લા અને સ્‍થળ તરફ જતા માર્ગો પર વિવિધ ભૂમિકામાં ૧૦,૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્‍યા છે. અમે ચુસ્‍ત અને ફૂલપ્રૂફ સુરક્ષા વ્‍યવસ્‍થા કરી છે.

(4:03 pm IST)