Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પાકિસ્તાનમાં તોડી પડાયેલ ગણેશજીના મંદિરમાં પૂજા શરૃઃ હિન્દુ પરિવારોમાં હજુ પણ ડરઃ સંબંધીઓને ત્યાં લઇ રહ્યા છે આશરો

નવી દિલ્હી તા. ૧ર :.. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ જિલ્લાના ભોંગ શરીફમાં હુમલાખોરોએ હિન્દુ મંદિર પર હૂમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. સુપ્રીમ કોર્ટની સખ્તાઇ બાદ પોલીસે પ૦ તોફાનીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. પરંતુ અહીં રહેતા હિન્દુઓ હજુ પણ ભયભીત છે. જો કે, મંદિરની મરામતની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી છે. લગભગ ૯૦ ટકા કાર્ય પૂર્ણ થયા પછી તેને હિન્દુ સમાજને સોંપવામાં આવ્યું છે.

મંદિર અને આ વિસ્તારમાં પોલીસ અને રેન્જર્સની ટૂકડી તૈનાત કરવામાં આવી છે. આ હોવા છતાં, અહીં હિન્દુઓની દુકાનો પર તાળા લટકી રહ્યા છે. અહીં રહેતા ઘણા હિન્દુ પરિવારો સિંઘ અને પંજાબમાં રહેતા સંબંધીઓના ઘરે જઇ રહ્યા છે. તેમનામાં એટલો ડર છે કે આ મુદ્ે  કોઇ વાત કરવા તૈયાર નથી. આ બધાની વચ્ચે સ્થાનિક શ્રીનાથ પણ પરિવાર સાથે લરકાણામાં રહેતા નજીકના સંબંધીના ઘરે પણ જઇ રહ્યો છે.

તેઓ કહે છે, અહીં લોકોના દિલમાં હજુ પણ ભય છે. કેટલાક તોફાની લોકોએ માહોલ બગાડી દીધો છે. જયારે પરિસ્થિતિ  સામાન્ય થશે ત્યારે અમે પાછા આવીશું. અહીં રહેતા એક હિન્દુ પરિવારે નામ ન આપવાની શરતે કહ્યું કે અમે સમયસર પોલીસને જાણ કરી હતી. જો તેઓ આવ્યા હોત તો ઉપદ્રવીઓને રોકી શકાયા હોત. ભોંગ શરીફ મંદિરના સંરક્ષક દરગાહ દાસ કહે છે કે મંદિરમાં ફરી પૂજા શરૂ થઇ છે. લોકો આરતીમાં ભાગ લઇ રહ્યા છે. મંદિરના નિર્માણમાં સ્થાનીક લોકોએ મદદ કરી હતી. સરકારને વિનંતી છે કે મંદિરની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે.

કટ્ટરવાદીઓએ આઠ વર્ષનું બાળક ભાવેશ કુમાર પર નિંદા કરવાનો આરોપ લગાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપ છે કે ભાવેશે જાણી જોઇને મદ્રેસા લાઇબ્રેરીના કાર્પેટ પર પેશાબ કર્યો હતો. ત્યારબાદ બાળકને પોલીસને સોંપવામાં આવ્યું હતું. પણ તે નાની વયનો હોવાથી પોલીસે તેને છોડી દીધો હતો.

બાળકના માતા-પિતાએ પોલીસને આપેલા નિવદનમાં જણાવ્યું હતું કે, મદ્રેસામા પ્રવેશ્યા બાદ બાળકે ડરથી પેશાબ કર્યો હતો. બીજી બાજુ, હિન્દુ અને મુસ્લિમ સમુદાયની સમરસતા  સમિતિની રચના કરવામા આવી છે જે વિસ્તારના લોકોના ધાર્મિક વિવાદોનું નિરાકરણ કરશે. મંદિર પર હૂમલાના ફૂટેજ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહેમદે આ બાબતને ધ્યાનમાં લીધી હતી.

વિરોધ પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને સંસદમાં હિન્દુ સમુદાયાના પ્રતિનિધી રોમેશ લાલે જણાવ્યું હતું કે આ ઘટનાથી લઘુમતી હિન્દુઓમાં ગભરાટ ફેલાયો છે. આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદાની જરૂર છે. જયાં સુધી ઉગ્રવાદી વિચારધારા નાબૂદ ન થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બંધ નહીં થાય. સરકારે ધાર્મિક સ્થળોને ર૪ કલાક સુરક્ષા આપવી જોઇએ.

(3:54 pm IST)