Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સંસદના તમાશાથી પ્રજાના ૨૬૪૦ કરોડ વેડફાયા

સંસદના ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં પ્રજાના સેવકોએ કર્યો હંગામો પરંતુ પ્રજાની પરસેવાની કમાણી લૂંટાઈ ગઈ : ૧ મિનીટ સંસદ ચલાવવાનો ખર્ચ થાય છે ૨.૫૦ લાખઃ લોકસભામાં ૨૧ તો રાજ્યસભામાં માત્ર ૨૯ કલાક જ કામકાજ થયું: નિર્ધારીત ૨૨૬ કલાકમાંથી માત્ર ૫૦ કલાકનો જ સદુપયોગ થયો

નવી દિલ્હી, તા. ૧૨ :. સંસદના ચોમાસુ સત્રમાં હંગામાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મોટાભાગે ઠપ્પ રહી જેના કારણે પ્રજાજનોના રૂ. ૨૬૪૦ કરોડ વેડફાઈ ગયા. આમા કેટલાક વધુ પૈસા જોડીએ તો આધુનિક સુવિધાઓ સાથેના ૩ નવા સંસદ ભવન બંધાઈ જાય. સરકારે આ સત્રમાં જ રાજ્યસભામાં માહિતી આપી હતી કે નવા સંસદ ભવન પાછળ રૂ. ૯૭૧ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સંસદ સત્ર ચલાવવા પર દર મીનીટે રૂ. ૨.૫૦ લાખનો ખર્ચ થતો હોય છે.

પીઆરએસ લેજીસલેટીવ રીસર્ચના આંકડા જણાવે છે કે ચોમાસુ સત્રની પ્રોડકટીવીટી છેલ્લા બે દાયકામાં ચોથી સૌથી ઓછી રહી હતી. સંસદના નીચલા ગૃહ લોકસભાની પ્રોડકટીવીટી માત્ર ૨૧ ટકા રહી જ્યારે ઉપલા ગૃહ રાજ્યસભાની પ્રોડકટીવીટી ૨૯ ટકા રહી. લોકસભાએ ૧૯ દિવસો સુધી ૬ કલાકના હિસાબથી ચાલવાનુ હતુ. જો કે પેગાસસ જાસૂસીકાંડની તપાસ અને નવા કૃષિ કાયદાને પાછા ખેંચવા જેવી માંગણીઓને લઈને હંગામાના કારણે ગૃહની કાર્યવાહી ખોરવાતી રહી હતી. આ કારણોસર લોકસભામાં કુલ ૨૧ કલાક કામકાજ થયુ તો રાજ્યસભામાં ૨૯ કલાક કામકાજ થયું.

પીઆરએસ લેજીસલેટિવ રીસર્ચ અનુસાર ચોમાસુ સત્રમાં લોકસભા અને રાજ્યસભાએ ૧૯ દિવસમાં ક્રમશઃ ૧૧૪ અને ૧૧૨ કલાક કામ કરવાનુ હતું. એવામાં ૨૦૧૬ના શિયાળુ સત્ર બાદ લોકસભામાં આ વખતે સૌથી ઓછુ કામ થયું. ૨૦૧૬માં નક્કી થયેલા ટાઈમના માત્ર ૧૫ ટકા સમય સુધી જ કામકાજ ચાલ્યુ હતું. છેલ્લા ૧૦ વર્ષના ૫ સત્રોમાં રાજ્યસભા પોતાના નિર્ધારીત સમયના ૨૫ ટકાથી પણ ઓછુ કામ કરી શકી હતી.

જો ચોમાસુ સત્રમાં લોકસભા માટે નક્કી થયેલ ૧૧૪ અને રાજ્યસભા માટે નક્કી થયેલ ૧૧૨ કલાકોને જોડી દેવામાં આવે તો સંસદમાં બન્ને ગૃહ મળીને કુલ ૨૨૬ કલાક કામકાજ થવાનુ હતુ પરંતુ થયુ માત્ર ૨૧ અને ૨૯ કલાક એટલે કે માત્ર ૫૦ કલાક. વિવિધ અનુમાનો અનુસાર સંસદની દર મીનીટની કાર્યવાહી પર અઢી લાખ રૂપિયા ખર્ચાય છે. આ રીતે ૨૨૬ કલાક એટલે કે કુલ ૧૩૫૬૦ મીનીટની કાર્યવાહી પર લગભગ ૩૩.૯૦ અબજ રૂપિયા ખર્ચવાના હતા.

જો બન્ને ગૃહોમાં થયેલ કામકાજના કલાકોને જોડી દેવામા આવે તો આ કુલ ૫૦ કલાક થાય છે આ ૫૦ કલાક એટલે કે ૩૦૦૦ મીનીટ પર ખર્ચ થયા ૭.૫૦ અબજ રૂપિયાનો યોગ્ય ઉપયોગ થયો. જો કે ૨૨૬માંથી ૫૦ કલાક જ કામકાજ થયુ આનો અર્થ એ કે ૧૭૬ કલાક એટલે કે ૧૦૫૬૦ મીનીટ બેકાર ગયેલ આ મીનીટો પર રૂ. ૨૬૪૦ કરોડ ખર્ચ થયા. આમ પણ કુલ ખર્ચ થયેલા ૩૩.૯૦ અબજ રૂ.નો સદઉપયોગ થયાના ૭.૫૦ અબજ રૂપિયાને કાઢી નાખીએ તો આ રકમ ૨૬.૪૦ અબજ રૂપિયા જ થાય છે. આમ કહી શકાય કે સંસદના ચોમાસુ સત્રમાં આમ આદમીની પરસેવાની કમાણીના ૨૬.૪૦ અબજ રૂપિયા બરબાદ થઈ ગયા.

સરકારે આ સત્રમાં કહ્યુ હતુ કે નવી સંસદના નિર્માણ પાછળ ૯૭૧ કરોડ અને સેન્ટ્રલ વિસ્ટા પર ૬૦૮ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે. આમ કુલ મળીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ પર ૧૫૭૯ કરોડ રૂ. ખર્ચ થવાનુ અનુમાન છે. આમાથી અત્યાર સુધીમાં ૩૦૧ કરોડ ખર્ચાયા છે.

(10:58 am IST)