Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઉમેદવાર સામેના કેસ જાહેર ન કરનારા ૧૦ પક્ષોને દંડ

કોર્ટની અપીલો ન ગણકારાતાં સુપ્રીમની કાર્યવાહી : ક્રિમિનલ કેસોની વિગતો જાહેર ન કરવા બદલ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોને એકથી પાંચ લાખ સુધીનો દંડ

નવી દિલ્હી, તા.૧૦ : સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૦ રાજકીય પક્ષોને દંડ ફટકાર્યો છે. પોત-પોતાના ઉમેદવારો સામેના કેસોને જાહેર ન કરવાના કારણે સુપ્રીમ કોર્ટે આ કાર્યવાહી કરી છે. રાજકારણમાં ગુનાખોરીનો અંત લાવવા માટે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ઘણી મહત્વની ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટે ઘણી વખત કાયદો બનાવવાનો આગ્રહ કર્યો કે તેઓ ઊંઘમાં જાગે અને રાજકારણમાં ગુનાખોરીને રોકવા માટે પગલાં ઉઠાવે. પરંતુ, તેઓ ગાઢ નિંદ્રામાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટની તમામ અપીલો બહેરા કાન સુધી નથી પહોંચી શકી.

રાજકીય પક્ષો પોતાની ઊંઘમાં જાગવા તૈયાર નથી. કોર્ટના હાથ બંધાયેલા છે. આ સંસદનું કામ છે. અમે માત્ર અપીલ કરી શકીએ છીએ. આશા છે કે, આ લોકો ઊંઘમાં જાગશે અને રાજકારણમાં ગુનાખોરીને રોકવા માટે મોટી સર્જરી કરશે. સુપ્રીમ કોર્ટે પોતાના ઉમેદવારો પર ક્રિમિનલ કેસોની વિગતો જાહેર ન કરવા બદલ ભાજપ, કોંગ્રેસ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, બસપા, જેડીયુ, આરજેડી, આરએસએલપી, એલજપીને ૧-૧ લાખનો દંડ કર્યો છે. જ્યારે સીપીએમ અને આરસીપીને ૫-૫ લાખનો દંડ કર્યો છે.

(8:58 pm IST)