Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ચેન્નાઈ સામે પંજાબની શાનદાર જીત:ચેન્નાઇ માત્ર 126 રનમાં સમેટાઈ જતા 54 રને કારમો પરાજય

રાહુલ ચાહરે 3 વિકેટ ઝડપી: લિયામ લિવિંગસ્ટોને પહેલા બેટ અને લથી પણ જબરદસ્ત પ્રદર્શન કરતા 2 વિકેટ ઝડપી લીધી :રબાડા, અર્શદીપ સિંહ અને ઓડિયન સ્મિથે એક એક વિકેટ મેળવી

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 11 મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈની ટીમના ખરાબ પ્રદર્શનને લઈ ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની કંગાળ શરુઆતને લઇને ધીમી પડેલી રમતે મીડલ ઓર્ડર પર દબાણ વધારી દીધુ હતુ. બીજી તરફ પંજાબ કિંગ્સના બોલરોએ અનુભવી ચેન્નાઈ પર દબાણ વધારવાની એક પણ છોડી નહોતી. શિવમ દુબેએ ઝડપી અડધી સદી વડે ટીમની સ્થિતી સુધારવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તે અસફળ રહ્યો હતો. આમ રવિન્દ્ર જાડેજ એ ધોની બાદ ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ સિઝનમાં હજુ ચેન્નાઈ તેની પ્રથમ જીત મેળવી શકી નથી.

ચેન્નાઈની ટીમનો અસલી કરંટ હજુ જોવા મળી રહ્યો નથી. આ જ પ્રમાણે પંજાબ સામે રવિવારે નબળી રમત ચેન્નાઈએ દર્શાવી હતી. કંગાળ શરુઆત કરનાર ચેન્નાઇએ 36 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. એટલે કે ઓપનર ઋતુરાજ ગાયકવાડ (1) અને રોબિન ઉથપ્પા (13) એ ઝડપથી પોતાની વિકેટ ફેંકી દીધી હતી. ત્યાર બાદ નવોદિત વૈભવ અરોરા સામે અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલી (0) એ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રવિન્દ્ર જાડેજા (0) પણ શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. અંબાતી રાયડૂ (13) પણ પ્રથમ 5 વિકેટપૈકીનો એક રહ્યો હતો.

 

બાદમાં મહેન્દ્ર સિંહ ધોની (23) અને શિવમ દુબે (57 બોલમાં 30 રન) એ મુશ્કેલીને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. શિવમ દુબેએ ધોની પાસે પાઠ શિખતો જઈ આક્રમક રમત વડે ઝડપી અડધી સદી ફટકારી દીધી હતી. એકસમયે તેની રમત સંકટ મોચન સ્વરુપની ચેન્નાઈ માટે લાગી હતી. પરંતુ તેણે પણ વિકેટ ગુમાવતા મુશ્કેલ સ્થિતી ફરી સર્જાઈ હતી. ધોનીએ પણ વિકેટ ગુમાવતા આખરે હાર નિશ્વિત બની ચુકી હતી.

ડ્વેન બ્રાવો (0) ડ્વેન પ્રિટોરિયસ (8) ક્રિસ જોર્ડન (5) પણ ઝડપથી વિકેટ ગુમાવી દેતા 18 ઓવરમાં જ ટીમ સમેટાઈ ગઈ હતી અને એક મોટી હાર ચેન્નાઈના નામે નોંધાઈ ગઈ હતી.

વૈભવ અરોરાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, જીતના માર્ગમાં તેની ભૂમિકા મહત્વની રહી હતી. તેણે મોઈન અલી અને રોબિન ઉથપ્પાની મહત્વની વિકેટ શરુઆતમાં ઝડપી હતી. રાહુલ ચાહરે 3 વિકેટ ઝડપી હતી. લિયામ લિવિંગસ્ટોને પહેલા બેટ અને બાદમાં બોલ થી પણ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 વિકેટ ઝડપી હતી. રબાડા, અર્શદીપ સિંહ અને ઓડિયન સ્મિથે એક એક વિકેટ મેળવી હતી

(12:00 am IST)