Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

દુનિયાભરમાં કોરોનાએ માથુ ઉંચકતા રસીકરણમાં લાવવી પડશે ઝડપ

ભારતમાં જ અનેક રાજ્‍યોમાં કેસ વધવા લાગ્‍યા છેઃ ૨૪ કલાકમાં ૧૭૪૦૭ કેસ નોંધાયા અને ૮૯ લોકોના મોત થયાઃ વિશ્વમાં કુલ કેસ ૧૧૫૭૬૫૬૩૪: કુલ મોત ૨૫૭૧૭૫૭ : જર્મનીમાં કોરોના પીછો છોડતો નથીઃ ૨૮મી માર્ચ સુધી લોકડાઉન લંબાવાયુઃ ભારતમાં પણ અનેક રાજ્‍યોમાં પ્રતિબંધો લાગુ થયા છેઃ વેકસીન આપવામાં ઝડપ લાવવાની તાતી જરૂર

દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસે ફરી એક વખત ઉપાડો લીધો છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી જ્‍યાં કોરોનાના દૈનિક કેસ ૧૦,૦૦૦ નીચે ચાલ્‍યા ગયા હતા તેમા હવે ફરીથી વધારો જોવા મળ્‍યો છે. કોરોના વાયરસના નવા સ્‍ટ્રેન સામે આવ્‍યા છે. જે અગાઉવાળા કરતા વધારે ખતરનાક માનવામાં આવે છે. મહારાષ્‍ટ્ર સહિત દેશના ૬ રાજ્‍યો સૌથી વધુ પ્રભાવિત છે. લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે ત્‍યારે હવે સ્‍થિતિ એ છે કે રસીકરણની વધારે સ્‍પીડ લાવવાની જરૂર ઉભી થઈ છે. ગયા વર્ષના મધ્‍યમાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થવા લાગ્‍યો હતો. જો કે પીક ઉપર પહોંચ્‍યા બાદ કોરોનાના કેસ ઓકટોબર માસથી ઘટવા લાગ્‍યા હતા, પરંતુ હવે ફરીથી તેમા વધારો થવા લાગ્‍યો છે. દુનિયાભરમાં ૧૧ કરોડથી વધુ લોકો શિકાર બન્‍યા છે. અત્રે એ નોંધનીય છે કે કોરોનાના કેસની સંખ્‍યા ૨ થી ૪ કરોડ થવામા ૨ મહિના લાગ્‍યા હતા, જ્‍યારે ૮ થી ૧૦ કરોડ થવામાં માત્ર ૧ મહિનો લાગ્‍યો હતો.

જે દેશોમાં રસીકરણ ચાલુ રહ્યુ છે ત્‍યાં કાં તો સ્‍થાનિક સ્‍તર પર સ્‍વીકૃતિ પ્રાપ્‍ત વેકસીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અથવા તો યુરોપીયન યુનિયન અથવા તો ડબલ્‍યુએચઓ દ્વારા માન્‍યતા પ્રાપ્‍ત વેકસીનનો ઉપયોગ થઈ રહ્યો છે. ૧૦૧ દેશ એવા છે જે રસીકરણની સાથે સાથે તેના આંકડા પણ જારી કરે છે. અમેરિકામાં ૬.૮ કરોડથી વધુ ડોઝ અપાયા છે તો ચીનમાં ૪.૧ કરોડ, બ્રિટનમાં ૨ કરોડ અને ભારતમાં દોઢ કરોડથી વધુ ડોઝ અપાયા છે. આમા મોટાભાગના પ્રથમ ડોઝ છે.

દરમિયાન જર્મનીમાં ૨૮મી માર્ચ સુધી લોકડાઉન વધારવામાં આવ્‍યુ છે. અહીં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે. ૨૪ કલાકમાં ૯૦૦૦થી વધુ કેસ સામે આવ્‍યા છે અને વધુ ૪૧૮ લોકોના મોત થયા છે.

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૪૦૭ લોકોને કોરોના થયો છે અને ૮૯ લોકોના મોત થયા છે. વિશ્વમાં કુલ કેસ ૧૧૫૭૬૫૬૩૪ થયા છે અને ૨૫૭૧૭૫૭ લોકોના મોત થયા છે. કુલ ૯૧૪૬૮૮૫૩ લોકો સાજા થયા છે. અમેરિકામાં ૫૧૦૯૦૦ લોકોના મોત થયા છે અને ૨૮૪૯૪૯૭૩ કેસ થયા છે. બ્રાઝીલમાં ૨૫૪૯૪૨ લોકોના મોત થયા છે અને ૧૦૫૫૧૨૫૯ કેસ નોંધાયા છે. બ્રિટનમાં ૧૨૨૮૪૯ મોત અને ૪૧૭૬૫૫૪ કેસ છે.

(11:15 am IST)