Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

ટ્રાન્‍સપોર્ટરો અને ટૂર્સ ટ્રાવેલ્‍સની બસોના ભાડામાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો ગમે ત્‍યારે ઝીંકાશે

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને પગલે

અમદાવાદ, તા.૨: વૈશ્વિક પરિબળોને કારણે ભારતમાં પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં મોટો વધારો થઇ ગયો છે. ‘ટૂર્સ અને ટ્રાન્‍સપોર્ટ ક્ષેત્રની હાલત વણસી રહી છે.' ભાવમાં ગમે ત્‍યારે ફેરફાર થતો હોવાથી એડવાન્‍સ બુકીગના કિસ્‍સામાં ટૂર્સ અને ટ્રાન્‍સપોર્ટ માલિકોએ વધારો પોતાને જ ભોગવવો પડે તેવી સ્‍થિતિનું પણ નિર્માણ થયું છે. એ ઉપરાંત વધતા ટોલટેક્‍સ અને અન્‍યખર્ચાને પહોંચી વળવા ટ્રાન્‍સપોર્ટરો અને ટૂર્સ ટ્રાવેલ્‍સની બસોના ભાડાંમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો ગમે ત્‍યારે ઝીંકાશે.

એક તબક્કે રુ. ૮૮ સુધી પહોંચેલું ડિઝલ વધીને ફરીથી રૂ. ૯૫.૭૦ થઇ ગયું છે. પેટ્રોલ રૂ. ૧૦૧ને પાર થઇ ગયું છે. આવા સમયે ગ્રાહકોને વધુ બોજો સહન કરવાનો આવશે.

એસોસિયેશન ઓફ ડોમેસ્‍ટિક ટૂર ઓપરેટર્સ ઓફ ઇન્‍ડિયા (એડીટીઓઆઇ) ગુજરાત ચેપ્‍ટરના ચેરમેન અને ઇન્‍ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ ઓફ ઇન્‍ડિયા (આઇટીઓઆઇ)ના નેશનલ બોડીના સભ્‍ય અશોક ધૂતે જણાવ્‍યું હતુ કે હાલમાં અનિશ્‍ચિતતા ઘણી વધી ગઇ છે. મોટી ગાડીઓના ભાવ દસ દિવસ પહેલાનું ભાડુ ૮૯,૦૦૦ હતુ તે હવે વધીને રૂ. ૯૮,૦૦૦ થઇ ગયુ છે. હવે ૧૫ દિવસ પછી ક્‍યા ભાવ હશે તે અંગે નિર્ધારણ કરી શકાતુ નથી. હાલમાં નોર્થ, સાઉથથી જે ટૂર ઓપરેટ થાય છે તેમાં અમારે વ્‍યક્‍તિદીઠ ભાવ આપી દેવો પડે છે. આમ એડવાન્‍સ બુકીંગમાં અમે પાછળથી ગ્રાહકો પાસેથી વધારાના નાણાં લઇ શકતા નથી. કોરોનાને કારણે જે માર પડ્‍યો હતો તેમાંથી બહાર નીકળી શક્‍યા નથી ત્‍યારે હવે ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે.ઙ્ખ

આ કિસ્‍સામાં દરરોજના ભાવ નક્કી કરી શકતા નથી કારણ કે આ વ્‍યવસાયમાં મોટેભાગે એડવાન્‍સ કામકાજ ચાલતુ હોય છે.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્‍સપોર્ટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેએ જણાવ્‍યું હતુ કે હાલમાં ટ્રાન્‍સપોર્ટના ખર્ચમાં ડિઝલનો હિસ્‍સો ૫૦ ટકા છે ત્‍યારે જે પણ ફ્રેઇટ મૂલ્‍ય હોય તેમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો આવી શકે છે. ટ્રાન્‍સપોર્ટર્સને આ સિવાય ઇન્‍સ્‍યોરન્‍સ, ટોલ ટેક્‍સ, ટાયરમાં પણ વધારો થયો છે તેને પણ સહન કરવાનો છે.

‘૭૫ ટકાથી વધુ ગાડીઓ ફુલ લોડ ચાલે છે તેનો આધાર માગ અને પુરવઠા પર રહે છે. કોરોના બાદ ભલે પરિસ્‍થિતિ સુધરી હોય પરંતુ સિઝન અને રજાઓને કારણે ડ્રાઇવરની ઉપલબ્‍ધિને કારણે ગાડીઓની અછત છે.'

તેમણે વધુમાં જણાવ્‍યું હતુ કે જે લોકોને અગાઉથી કરાર થઇ ગયા છે, તેમની સ્‍થિતિ કફોડી થઈ છે. સરકાર જો ગ્રાહકો પર આ વધારો ૧૦૦ ટકા પસાર કરશે તો ફુગાવાત્‍મક અસરો ઊભી થશે. માલના વહનને અસર થશે. સરકારે કર માળખાની પુનઃસમીક્ષા કરવાની જરૂર છે.

જોકે, સુરતમાં ટ્રાન્‍સપોર્ટેશનના ભાડાં વધારાનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. આને પગલે સુરતમાંથી દેશભરમાં ઠલવાતાં કાપડના પાર્સલો મોકલવા મોંદ્યા બન્‍યા છે. રેલ્‍વે ઉત્તરના રાજયોની ગુડ્‍સ ટ્રેન સેવા આપવાનું ઓછું કરતાં પાર્સલનો ભરાવો થયો છે. ઇંધણના ભાવ વધતા ટ્રાન્‍સપોર્ટેશન સંગઠનોએ બેઠક કરીને ભાડામાં ૧૫ થી ૨૦ ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. હાલમાં જ પ્રોસેસીંગ એકમોએ જોબચાર્જમાં વધારો કરતા વેપારીઓ અકળાયા હતા એવામાં હવે ટ્રાન્‍સપોર્ટેશનવાળાના ભાવવધારાથી વેપારીઓની હાલત કફોડી બની છે. ડિઝલનો ભાવ એક લિટરે તાજેતરમાં રૂ. ૬ કરતા વધારે ઉંચકાઇ ગયો છે.ઙ્ખ

સુરત ટેક્‍સટાઇલ ગુડ્‍સ ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનના પ્રમુખ' યુવરાજ દેશલેએ જણાવ્‍યું હતું કે, સુરતથી ઉત્તર અને પૂર્વ ભારતમાં રોજની સેંકડો ટ્રક જાય છે. રેલ્‍વે દ્વારા ગુડસ ટ્રેન મારફતે માલ ઉપાડવમાં આવતા ટ્રક પર લોડ ઘટે છે. પરંતુ માર્ચમાં રેલ્‍વે દ્વારા ગુડસ ટ્રેન ઓછી ફાળવવામાં આવતાં સાડી, ડ્રેસ મટિરીયલના પાર્સલનું પરિવહનનો વધારાનો બોજ રોડ ટ્રાન્‍સપોર્ટ પર પડ્‍યો છે. હાલ રોજ ૩૦૦ ટ્રકમાં ૫૦ હજાર પાર્સલ દેશભરમાં જાય છે. માર્ચના અંતિમ સપ્તાહમાં ડિમાન્‍ડ વધતા શહેરના વેપારીઓના ગોડાઉનમાં ૧૫૦ ટ્રક ભરાય તેટલા પાર્સલનો ભરાવો થયો છે. ઇંધણ અને પાર્સલો ઉચકતાં મજૂરોના મજૂરી દરમાં વધારાને કારણે ટેક્‍સટાઇલ એસોસિએશનને ટ્રાન્‍સપોર્ટેશન ચાર્જમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો કરવાનું નક્કી કર્યુ છે. જે ૧લી એપ્રિલથી લાગુ કરાયો છે.

કાપડ વેપારી રંગનાથ શારદાએ જણાવ્‍યું હતું કે, લગ્નસરાની સીઝનને લઇને કામકાજમાં વધારો થઇ રહ્યો છે. બહારગામની ખરીદી પણ નીકળી છે. પરંતુ ટ્રાન્‍સપોર્ટના ભાવમાં ૨૦ ટકાનો વધારો કરવામાં આવતા બહારગામના વેપારીઓએ ખરીદી ઓછી કરી છે. ચારેબાજુથી ભાવવધારો થતાં વેપારીઓની તકલીફ વધી છે.

વેપારી દિનેશ કટારિયા વેપારી જણાવે છે કે, ટ્રાન્‍સપોર્ટેશન ચાર્જમાં વધારો થતાં માર્કેટમાં ખરીદી ઓછી થવાની આશંકા છે. આ તરફ ટ્રક પુરતા પ્રમાણમાં ન હોવાથી પોતાના ગોડાઉનમાં માલ પડ્‍યો રહે છે. જેના કારણે અન્‍ય રાજયમાં માલ સમયસર પહોંચશે નહિ. પ્રોસેસર્સથી લઇને ટ્રાન્‍સપોર્ટેશન સુધીના ભાવવધારાને કારણે કાપડના વેપારીઓની મુશ્‍કેલી વધી છે.

(10:19 am IST)