Gujarati News

Gujarati News

News of Saturday, 2nd April 2022

ચીનમાં સતત વધી રહેલ રહેલ કોરોના વાયરસના કેસને લઈને જિનપિંગ સરકારે લીધો આકરો નિર્ણય

નવી દિલ્હી: ચીની સરકારે કોરોના મહામારીની નવી લહેરમાં એવા સખ્ત પગલા ભર્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકમાં ડરનો માહોલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવા આદેશ પ્રમાણે બાળકોને માતા-પિતાથી અલગ કરવામાં આવી રહ્યાં છે. મા-બાપને પોતાના બાળકોનું લોકેશન પણ જણાવવામાં નથી આવતું. અનેક લોકો પોતાના બાળકોની ભાળ મેળવવા માટે વહીવટી તંત્ર સમક્ષ કાકલૂદી કરી રહ્યાં છે, પરંતુ તેમને પોતાના વ્હાલસોયા અંગે કોઈ જાણકારી આપવામાં નથી આવી રહી. ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈમાં કોરોનાની સૌથી વધુ અસર છે. રિપોર્ટ મુજબ, શહેરની એક મહિલા એસ્થન ઝાઓ 26 માર્ચે પોતાની અઢી વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ હોસ્પિટલ લઈ ગઈ હતી. મેડિકલ તપાસમાં તેને કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. રિપોર્ટ મુજબ, માતા પોતાની પુત્રી માટે રોકક્કળ કરતી રહી, પરંતુ વહીવટી તંત્રએ જરા પણ ધ્યાન નહતું આપ્યું અને દીકરીને માતાથી દૂર કરી દીધી. એવો પણ આરોપ લગાવાયો છે કે, ડૉક્ટરોએ તેને ધમકી આપી હતી કે, જો તે દીકરીને બાળકો માટે બનાવાયેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં નહીં મોકલે તો તેને હોસ્પિટલમાં જ છોડી દેવામાં આવશે. તબીબો મા-બાપને મોબાઈલ પર મેસેજથી એટલું જ જણાવી રહ્યાં છે કે, તેમના બાળક સ્વસ્થ છે, પરંતુ તેમને ક્યાં રાખવામાં આવ્યા છે? તે નથી જણાવતા. ઉલ્લેખનીય છે કે, શાંઘાઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6311 નવા કેસ નોંધાયા છે. જે પૈકી 6051 કેસ કોઈ લક્ષણ વિનાના છે, જ્યારે 260 લોકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા હતા. હાલ ચીનની સરકાર કોરોના સંક્રમણને લઈને ચિંતિત છે અને શક્ય તમામ પગલા લઈ રહી છે.

 

(8:45 pm IST)