Gujarati News

Gujarati News

News of Tuesday, 31st May 2022

અસામાજિકો પાસેથી જાહેર-ખાનગી મિલ્કતોને નુકસાનનું વળતર વસૂલાશે

રાજ્ય સરકાર ટૂંકમાં કાયદો ઘડે એવી શક્યતા : રાયોટ બજેટ લોને વટહુકમ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતા, સરકાર તેને ભવિષ્યમાં કાયદાકીય બિલ તરીકે પસાર કરી શકે છે

અમદાવાદ, તા.૩૧ : ગુજરાતની ભાજપ સરકાર ખૂબ જલ્દી એક એવો કાયદો ઘડે તેવી શક્યતા છે, જેના દ્વારા તોફાની તત્વો અથવા અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને કરાયેલા નુકસાનની વસૂલાત કરી શકાય. કાયદાને (રાયોટ બજેટ લો) વટહુકમ દ્વારા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારબાદ સરકાર તેને ભવિષ્યમાં કાયદાકીય બિલ તરીકે પસાર કરી શકે છે. ભાજપ શાસિત રાજ્ય ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં પહેલાથી જ તેવો કાયદો ઘડી ચૂક્યા છે જેના દ્વારા જાહેર અને ખાનગી સંપત્તિને થયેલા નુકસાનની વસૂલાત કરી શકાય છે. પ્રસ્તાવિત કાયદાને ગુજરાત રિકવરી ઓફ ડેમેજિસ ઓફ પબ્લિક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી એક્ટ નામ આપવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સૂત્રએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તોફાનીઓ અને અસામાજિક તત્વો સામે મજબૂત પ્રતિબંધક (ધાક) છે, જેઓ ઘણીવાર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે. તેમણે એવા કાયદાઓ રજૂ કર્યા છે, જેમાં જાહેર અથવા ખાનગી સંપત્તિને થયેલા નુકસાનને તેવા અસામાજિક તત્વો પાસેથી જ વસૂલ કરી શકાય છે તેમણે તે કૃત્ય કર્યું હોય. રાજ્ય સરકારે કાયદાઓનો અભ્યાસ કર્યો હતો અને ગુજરાતમાં પણ સમાન કાયદો બનાવવાનો નિર્ણય લીધો છે, તેમ સૂત્રએ જણાવ્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 'તોફાની તત્વો પાસેથી નુકસાન પામેલી જાહેર અથવા ખાનગી મિલકતોની બમણી અથવા ત્રણગણી કિંમત વસૂલવા અંગેનો વટહૂકમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે'.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જેઓ નુકસાનની ચૂકવણી કરવામાં નિષ્ફળ જશે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવા અંગેની વિચારણા પર ચાલી રહી છે. 'નુકસાન ભરવામાં નિષ્ફળ અસામાજિક તત્વોની મિલકત જપ્ત કરવામાં આવી શકે છે અથવા હરાજી થઈ શકે છે, આ સિવાય જેલની સજાની જોગવાઈ પણ હશે', તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય કાયદાઓની જેમ, ટ્રિબ્યુનલ અને સ્પેશિયલ કોર્ટ હશે, જે જાહેર અને ખાનગી મિલકતોના નુકસાનની વસૂલાત માટે પ્રસ્તાવિત કાયદા હેઠળના કેસોનો નિર્ણય લેશે. નવા કાયદાની અન્ય જોગવાઈઓ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ દ્વારા ઘડવામાં આવેલા કાયદા જેવી જ છે.

 જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાતની કાયદેસરની કાર્યવાહી શરૃ કરવા માટે જિલ્લા કલેક્ટરને સત્તા આપવામાં આવશે. અસરગ્રસ્ત વ્યક્તિઓ (જેમને મિલકતનું નુકસાન થયું છે) એ નુકસાનની વસૂલાત માટે દાવા કરવા પડશે.

'વટહુકમ બહાર પાડ્યા બાદ, રાજ્ય સરકાર આગામી ચોમાસુ અથવા શિયાળુ સત્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિધાનસભામાં એક કાયદાકીય બિલ રજૂ કરી શકે છે', તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

(8:06 pm IST)